ઉમરપાડા અને માંગરોળ તાલુકાના ધારાસભ્ય, ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ ઉંમરગોટ ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે ઝડપથી કોરોના દર્દીઓ માટે કોવીડ કેર સેન્ટર ચાલુ કરવા વહીવટી તંત્રને સૂચન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વવ્યાપી કોરોના મહામારીનો હાલ બીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ ઝડપી વધી રહ્યું છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉમરપાડા તાલુકામાં કોરોના દર્દીઓ પાસે હોમઆઇસોલેટ થવાની સુવિધા નથી તેવા દર્દીઓ માટે ચા, નાસ્તો, જમવાની તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે એવુ સૂચન વહીવટી તંત્રને કરી છે. ઉમરપાડા તાલુકામાં રસીકરણને વેગવંતુ બનાવવા માટે મંત્રી ગણપતભાઈ વસાવાએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે 18 વર્ષથી ઉપરના તમામ લોકોએ કોવીડ રસી મુકાવી જોઈએ. તાલુકામાંથી ચૂંટાયેલા દરેક સદસ્યે રસીકરણમાં ઉત્સાહ દાખવવો જોઈએ. દરેક તાલુકાના એક સદસ્યે 100 વ્યક્તિને કોવીડ રસી મુકાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. તાલુકામાં કોરોના મહામારી અંતર્ગત કોરોના દર્દીઓ માટે આ કોવીડ સેન્ટર સુવિધાઓથી વહેલી તકે શરુ કરવામાં તેની પ્રજાજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ તકે મંત્રી ગણપતભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન વસાવા, ઇન્ચાર્જ ટી.ડી.ઓ.સી.ડી.ચૌધરી, મામલતદાર ગોહિલ, ટી.એચ.ઓ.વાઘ સાહેબ તેમજ ઉમરપાડા તાલુકાના સદસ્યો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા, વાંકલ.