ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરા ગામે કોરોના વાયરસની મહામારીને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા ૧૦૦૦ જેટલા લોકોએ આર્યુવેદિક ઉકાળાનો લાભ લીધો હતો.
હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં તાવ, શરદી, ખાંસી, ઉધરસ જેવા વાઇરલ રોગચાળો વધી રહ્યો છે જેને કારણે લોકોમાં ભય ફેલાયો છે જેથી તકેદારીના પગલારૂપે લોકોની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ગામ આગેવાનો જયસિંગભાઈ, ચંદ્રસિંગભાઈ, રામસીંગભાઈ સુરતિયાભાઈ, યુવા એક્શન ગ્રુપના વિજયભાઈ વસાવા, દીપકભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નાના છોકરાથી લઈ નાના-મોટા તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જણાવવાનું કે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી સરકારી ગાઇડલાઈનનુ પાલન કરવું, સરકારી ડોકટરની સલાહ લેવી અને સમયસર કોરોના ટેસ્ટ રિપોર્ટ કરાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લાપંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ રાજુભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી નરેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી યુ. બી. વાઘ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રકાશભાઈ ચૌધરી તથા ભરતભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરીયા, વાંકલ.