ઉમરપાડા તાલુકાનાં પ્રજાજનોના સળગતા પ્રશ્નોનું નિરાકરણ માટે તાલુકા કોંગ્રેસ સમિતિનાં આગેવાનોએ ઉમરપાડાના મામલતદારને આવેદનપત્ર સુપરત કરી પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવાની માંગ કરી છે.
માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, કોંગ્રેસ અગ્રણી નારસિગ વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ રામસિંગ વસાવા, મૂળજીભાઈ પટેલ, નટવરસિંહ વસાવા સહિતના આગેવાનોએ ગુજરાતના રાજ્યપાલને સંબોધીને લખેલું એક આવેદનપત્ર મામલતદારને આપી જણાવ્યું કે જંગલની જમીન ખેડતા ખેડૂતોને સનદો આપવામાં આવી નથી તેમજ જંગલની જમીન ખેડતા ખેડૂતોને ચાલુ વર્ષે કૃષિ પાકોના નુકસાનનું વળતર આપવામાં આવ્યું નથી એગ્રીકલ્ચર વીજ લાઈનમાં પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી જેના કારણે ખેડૂતોના કૃષિ પાક નિષ્ફળ જઈ રહ્યા છે. તાલુકામાં નરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થયો છે તેમજ વાસ્મો પ્રોજેક્ટ હેઠળ ગામે ગામ પાણીના ટાંકા અને પાઇપલાઇનનાં કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે જેને કારણે લોકોને પાણી મળતું નથી, વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ આદિવાસી વિસ્તારમાં મળતો નથ યુવાનોને રોજગારી મળતી નથ સરકાર રોજગારી આપે તેવી અમારી માંગ છે. સેવલાણ અને ચીમી પાતલ ગામ વચ્ચે ઊંચો પુલ અને પ્રોટેકશન વોલ અને બિલવાણથી સેવલાણ માર્ગ પર આવેલ કોતર પાસે પ્રોટેકશન વોલ બનાવવાની માંગ થઈ છે.
વધુમાં નરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેમજ ભૂતકાળમાં ઉમરપાડા તાલુકા પંચાયત ખાતે નરેગા યોજનાની કચેરી રીતસર કાવતરું રચી સળગાવી મૂકવામાં આવી હતી જેનો એફ.એસ.એલ.ના રિપોર્ટ પણ કચેરીમાં આગ માનવસર્જિત રીતે લાગી હોવાનો આવ્યો હતો છતાં ભ્રષ્ટાચાર છુપાવવા કચેરીનો રેકોર્ડ સળગાવી મૂકનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે ફરી આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે.
ઉમરપાડાનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કોંગ્રેસનાં આગેવાનોએ ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.
Advertisement