ઉમરપાડા તાલુકાના કેવડી ગામે આવેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઠેર ઠેર વરસાદી પાણી ટપકતા અને ધાબામાંથી સ્લેબના પોપડા પડતા સારવાર લેવા આવતા દર્દીઓના માથે જીવનું જોખમ ઊભું થયું છે. આ બાબતે કેવડી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જોખમી બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાન સંદર્ભે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
હાલ ચોમાસાની ઋતુ દરમિયાન સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જર્જરીત મકાનમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે અને કેટલાક રૂમમાં વરસાદી પાણીથી ધાબાના સ્લેબના પોપડાઓ ઉખડીને નીચે પડી રહ્યા છે ત્યારે ડિલિવરીના કેસ સહિત સારવાર લેવા આવતા તમામ દર્દીઓના માથે જીવનો જોખમ ઊભું થયું છે. કેવડી ગામ સહિત આસપાસ વિસ્તારના ગામોના દર્દીઓ સારવાર લેવા કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા હોય છે પરંતુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરાબ હાલતમાં હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે દર્દીઓના હિતમાં કેવડી ગ્રામ પંચાયત દ્વારા આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજી સુધી સંબંધિત આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નવી ઈમારત સરકાર દ્વારા ઊભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ