ઉમરપાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવાનો મહાયજ્ઞ લોકડાઉન દરમિયાન શરૂ કરવામાં આવેલ છે. કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના પગલે સમગ્ર સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે બાળકો પોતાનો અભ્યાસ ભૂલે નહીં અને ઘરના હૂંફાળા માળામાં સલામત રહીને પોતાનું શિક્ષણ તાજુ રાખે એ માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે. આ કટિબદ્ધતા સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગે લોકડાઉનના સમયમાં બંધની શાળાઓ હોવા છતાં ધોરણ ૩ થી ૮ ના બાળકોનો શિક્ષણ સાથેનો તંતુ જોડાયેલો રહે એ માટે વોટ્સએપના માધ્યમ દ્વારા જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરેલ સાહિત્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર અને કેન્દ્ર શિક્ષક થકી શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને પહોંચાડવામાં આવે છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ સાહેબ શ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેતનભાઈ કે ચૌધરીએ જણાવ્યું હતું કે જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલની સુવિધા નથી તેમના બાળકોને એન્ડ્રોઇડ મોબાઈલ ધરાવતા વાલીઓ આ સાહિત્યનો લાભ આપે એવું સુંદર સંકલન ઉમરપાડા તાલુકાનાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ગોઠવાયું છે. તેમણે ઉમેર્યું હતું કે સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત તાલુકાની ૧૦૪ પ્રાથમિક શાળાઓ અને ૦૨ કે.જી.બી.વી દ્વારા ધોરણ ૩ થી ૮ ના આશરે ૫૬૦૦ જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે. તાલુકાનાં ૩૯૮ જેટલા શિક્ષક ભાઈ-બહેનો વોટ્સએપ ગૃપ દ્વારા ૬૧૧૫ જેટલા વાલીઓના સતત સંપર્કમાં છે જે ઉમરપાડા જેવા અંતરિયાળ વિસ્તાર માટે ખૂબ જ નોંધનીય બાબત છે. ઉમરપાડા તાલુકાના બી.આર.સી કૉ.ઓર્ડિનેટર શ્રી અલ્પેશકુમાર સી પંચાલ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રામસિંગભાઇ વસાવાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના આ અભિગમને વખતોવખત શિક્ષકો દ્વારા વાલી સુધી પહોંચાડવામાં આવે છે. શિક્ષણ વિભાગના આ અભિગમને તમામ વાલીઓ સુધી ઘરે ઘરે પહોંચાવમાં સી.આર.સી કૉ.ઑ અને તાલુકાનાં તમામ કેન્દ્ર શિક્ષક મિત્રોનું યોગદાન ખૂબ જ સરહાનીય છે. લોકડાઉનમાં બાળકો રમતા રમતા ભણવાનો આનંદ માણી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાની નોંધ જે-તે શાળાના શિક્ષકો દ્વારા વાલીઓની રૂબરૂ મુલાકાત અથવા ટેલિફોનીક સંપર્ક દ્વારા રાખવામાં આવે છે જે સરાહનીય બાબત છે. શિક્ષણ વિભાગના નવા નવા અભિગમ જેવા કે પરિવારનો માળો સલામત અને હુંફાળો, સ્ટડી ફ્રોમ હોમ, ગ્રંથાલય જ્ઞાનસંગ્રહ જેવા વિશિષ્ટ અભિગમ ઉપરાંત ટીવીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાના ગુજરાતના શિક્ષણ વિભાગના શુભ હેતુને/નવતર અભિગમને ઉમરપાડા તાલુકામાં યોગ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
લોકડાઉન વચ્ચે ઉમરપાડા તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને ઓનલાઇન શિક્ષણનો મહાયજ્ઞ.
Advertisement