કોઈ પણ દેશના વિકાસનો સૂર્યોદય પ્રજાની સુખાકારી અને સમૃદ્ધિથી થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર મહિલાઓનું ઉત્થાન હોય કે વૃદ્ધોની સારસંભાળ હોય અથવા બાળકોના સર્વાંગી વિકાસની વાત હોય, આપણી સરકાર આબાલવૃદ્ધ સૌને લક્ષમાં રાખીને સૌને આત્મનિર્ભર બનાવી રહી છે.
શહેર હોય કે ગામ, દરેક જરૂરિયાતમંદ વંચિત પરિવારને LPG સિલીન્ડરનો લાભ મળે અને ચુલાના ધૂમાડાથી સ્ત્રીઓને અને પર્યાવરણને થતું નુકસાન અટકાવી શકાય એ હેતુને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાએ પરિપૂર્ણ કર્યો, અને સરકારે શહેર-ગામની શિક્ષિત કે પછાત બધી જ બહેનો સુધી તેનો લાભ પહોચાડ્યો છે. આવા જ એક લાભાર્થી છે ઉમરપાડા તાલુકાના તારાપુર ગામે રહેતા ૩૫ વર્ષીય ઉજ્જવલાબેન હસમુખભાઈ ચૌધરી. કોરોના કાળમાં પોતાના પતિને ગુમાવ્યા બાદ બે બાળકો સાથે નાનું મોટું કામ અને મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ઉજ્જવલાબેને તેમના ગામના સરપંચ પાસેથી ઉજ્જવલા યોજના અને વિધવા સહાય યોજનાની જાણકારી મેળવી અને ઉજ્જવલા યોજનાનો તો લાભ લીધો જ, સાથોસાથ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ માસિક રૂ.૧૨૫૦નું પેન્શન પણ મેળવી રહ્યા છે.
ઉજ્જ્વલાબેન ચૂલાની જગ્યાએ રાંધણ ગેસ પ્રાપ્ત થવાથી ખુબ રાહત અનુભવે છે, અને હવે રસોઈનું કામ ઝડપી પતાવીને ખેતમજૂરી માટે વધુ સમય ફાળવી શકે છે, જ્યારે બાકીના સમયમાં ઘરેથી સાડીનું ભરતકામ કરી થોડી વધુ આવક પણ મેળવી રહ્યા છે. ઉજ્જવલા યોજનાની સાથે તેઓએ વિધવા સહાય યોજનાનો લાભ પણ લીધો હોવાથી તેમના બાળકોના ભણતરની જવાબદારીનો બોજો પણ ઘણો હળવો થઇ ગયો છે.
ઉજ્જ્વલાબેન જણાવે છે કે, કોરોનાનો વિકટ સમય હતો ત્યારે સર્પદંશથી પતિના અવસાન બાદ જીવન જીવવું કઠિન બન્યું હતું. મારે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના ભવિષ્યની ચિંતા મને કોરી ખાતી હતી. ઘરનો મુખ્ય આધાર છીનવાઈ જાય ત્યારે જિંદગી નીરસ અને અંધકારમય બની જાય છે, પણ ગામના સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યોની મદદથી મને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મળ્યો છે. જેનાથી આર્થિક પીઠબળ મળી રહ્યું છે.
ચૂલાને વિરામ આપનાર ઉજ્જવલા યોજના ભારતીય નારીઓને મન વરદાન સમાન બની છે. જ્યારે ગંગાસ્વરૂપા યોજના ‘નિરાધાર નારીઓ એકલી નથી, સરકાર તમારી સાથે છે’ એવી અનુભૂતિ કરાવે છે. આમ, નાગરિકોને આત્મનિર્ભર બનાવવા, અનેકવિધ યોજનાઓના લાભ જરૂરિયાતમંદ તમામ લોકો સુધી કોઈ પણ અડચણ વગર પહોંચે એના પર પણ રાજ્ય અને કેન્દ્ર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ