ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા ઉમરદા માર્ગ પર વન વિભાગની ટીમે પીછો કરી ખેરના લાકડાં ભરેલો ટાટા ટેમ્પો અને પાયલોટીંગ કરતી ઇન્ડિકા કાર સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ રૂપિયા 7,92,840 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
નાયબ વન સંરક્ષક સુરતને બાતમી મળી હતી કે વડગામ ખોટારામપુરા ગામેથી એક ખેરના લાકડાં ભરેલો ટાટા ટેમ્પો પસાર થનાર છે જેના આધારે ઉચ્ચ અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વડપાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભોલાસિંગ વસાવા ફોરેસ્ટર અશોક વસાવા બીટગાર્ડ ધર્મેશ ગામીત સોરાપાડા રેન્જના મગનભાઈ વસાવા મથુરભાઈ વસાવા મૂળજીભાઈ વસાવા વગેરે કર્મચારીઓની ટીમે ઉમરદા શંભુનગર ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી હતી આ સમયે બાતમી મુજબ એક ઇન્ડીકા કાર GJ.6.C B 5864 તેમજ ટાટા ટેમ્પો GJ 16 Z 4908 ત્યાંથી પસાર થતા વન વિભાગની ટીમે આ બંને વાહનોનો રાત્રી દરમિયાન પીછો કર્યો હતો અને ટાટા ટેમ્પોનું પાયલોટિંગ કરી રહેલી ઈન્ડીકા કારને ગુલી ઉમર ગામે અટકાવી હતી. કારના ચાલકને તેનું નામ પૂછતાં પોતાનું નામ રજાક અલી આરીફ અલી શેખ રહે.વાપીનો હોવાનું જણાવ્યું હતું જ્યારે બે ઇસમોને ટેમ્પોમાંથી ઉતારી તેઓનું નામ પુછતા ઈરફાન અલી નિશાર અલી મકરાણી તેમજ સોયબ રફીક મકરાણી બંને રહે અકલકુવા મહારાષ્ટ્રના હોવાનું જણાવ્યું હતું. વન વિભાગની ટીમે ટેમ્પોમાંથી 74 નંગ ખેરના લાકડા કબજે લીધા હતા જેની કિંમત 1,92,840 તેમજ વાહન મળી કુલ 7,92,840 મુદ્દામાલ કબજે લીધો હતો.