રાજયમાં ચાલુ વર્ષે લઠ્ઠાકાંડ બાદ વિવિધ ગામના સરપંચો જાગૃત થયા છે. ત્યારે તાપી જિલ્લાના વ્યારા તાલુકાની રાણીઆંબા ગ્રામ પંચાયતમાં દારૂ બંધ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જૂથ ગ્રામ પંચાયતના ૭ ગામોમાં દારૂ બંધ કરવા ઠરાવ કરાયો હતો. સાત ગામોમાં દેશી રાસાયણિક દારૂની ભઠ્ઠીઓ માટે ગોળ,ખાતર જેવા રાસાયણિક પ્રદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. ૭ ગામોમાં દેશી દારૂ બનાવતા કે પીતા કોઇ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો ઠરાવ કરવામા આવ્યો છે.
લઠ્ઠાકાંડ બાદ એક પછી એક ગ્રામ પંચાયત સ્વૈચ્છિક દારૂબંધી જેવા નિર્ણયો લઈ રહી છે. ગતરોજ તાપી જિલ્લાની વધુ એક ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક દારૂબંધીનો નિર્ણય લીધો હતો,તેના માટે ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે. ડોલવણ તાલુકાના ગ્રામ પંચાયત પીપલવાડા વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ પણે દારૂ બંધી જાહેર કરી તેની પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જો કોઈ દારૂ બનાવતા કે પીતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડોલવણ તાલુકાના ગ્રામ પંચાયત પીપલવાડા દ્વારા તા.૨૧ મી ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ એક નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે, તે અનુસાર આજ પછી ગામમાં કોઇપણ દારૂ બનાવતા જણાય આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, સાથે દારૂ પીને ગામમાં ફરવાવાળા તેમજ ઘરે હેરાન કરવા વાળાની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે, ગ્રામ પંચાયતના નિયમોનો ઉલંઘન કરનાર વ્યક્તિને ગ્રામ પંચાયત તરફથી કોઇપણ પ્રકારની મદદ કરવામાં આવશે નહીં અને કોઇપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ ગ્રામજનો નોંધ લેવી.