તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ઉભેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ આગમાં દાઝી જવાથી 10 લોકો જીવતા ભૂંજાયા છે. આ સાથે આ અકસ્માતમાં 25 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ટ્રેન લખનૌથી રામેશ્વરમ જઈ રહી હતી. આ દરમિયાન પ્રવાસી કોચમાં આગ લાગી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની ઘટના સવારે 5.15 વાગ્યે બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ આગન લાગવાની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે કોચમાં ભીષણ આગ લાગી છે અને આસપાસ કેટલાક લોકો બૂમો પણ પાડી રહ્યા છે. આ દરમિયાન નજીકના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ દરમિયાન ટ્રેનનો કોચ ખરાબ રીતે બળીને ખાખ થયેલો જોવા મળે છે.
રેલવેના જણાવ્યા અનુસાર, સ્ટેશન ઓફિસર દ્વારા આજરોજ સવારે 5.15 વાગ્યે ટ્રેનના કોચમાં આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર ટેન્ડર 5.45 વાગ્યે અહીં પહોંચ્યા હતા. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન નથી. આ એક પ્રાઈવેટ પાર્ટી કોચ છે જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે જોડવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યા છે. ખાનગી પાર્ટીના કોચમાં મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈ જતા હતા અને તેના કારણે આગ લાગી હતી. આગની જાણ થતા ઘણા મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર જ નીચે ઉતરી ગયા હતા.