અમેરિકી ગુપ્ત એજન્સીઓએ ચેતવણી આપી છે કે તાલિબાન આતંકીઓ આગામી 30થી 90 દિવસમાં અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે. આ ખુલાસા બાદ અફઘાનિસ્તાનની ગની સરકારમાં હડકંપ મચી ગયો છે. તાલિબાને અત્યાર સુધી દેશના 65 ટકા ભાગ પર કબજો કરી લીધો છે. તાલિહાનને માત આપવા માટે અફઘાનિસ્તાન સરકારે ત્રણ તબક્કાવાળો માસ્ટર પ્લાન બનાવ્યો છે.
અફઘાનિસ્તાનના ગૃહમંત્રી જનરલ અબ્દુલ સત્તાર મિર્ઝાકવાલે બુધવારે અલઝઝીરાને જણાવ્યુ કે, સરકાર સ્થાનીક સમૂહોને હથિયારબંધ કરી રહી છે, જેથી તાલિબાનને પાછળ ધકેલી શકાય. તેમણે કહ્યું કે, તાલિબાનના 9 પ્રાંતો પર કબજો કર્યા બાદ અફઘાન સેના હાઈવે, મોટા શહેરો અને સરહદ ક્રોસિંગને સુરક્ષિત બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. મિર્ઝાકવાલ હાલમાં દેશની 1,30,000 ની પોલીસ ફોર્સના પ્રમુખ બન્યા છે.
અત્યાર સુધીમાં 80 હજારથી વધુ બાળકો બેઘર થઈ ચુક્યા છે. આ અંગેની માહિતી સેવ ધ ચિલ્ડ્રન નામના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. જોકે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે. અફઘાનિસ્તાનના માનવઅધિકાર પરિષદના જણાવ્યા મુજબ હાલ દેશના 25 પ્રાંતોમાં 35,000થી વધુ પરિવાર છેલ્લા એક મહિનાની અંદર જ વિસ્થાપિત થયા છે.
હાલ અફઘાનિસ્તાનમાં ગરમીની સિઝન છે. તેના પગલે બેઘર થયેલા લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખુલ્લા આકાશમાં કે કેમ્પોમાં ગરમીનો સામનો કરવો મુશ્કેલ છે. અહીં કલાકો સુધી વીજળી આવતી નથી. યુપીએસ મોટાભાગના સમયે બીપ-બીપ અવાજ કરતા હોય છે. આ અવાજ સતત એ વાતનો અનુભવ કરાવે છે કે આપણે ઈમરજન્સીમાં છે.