લાખો વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ સહિતની ડિગ્રીઓ, સર્ટિફિકેટ આપતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ એક ખાનગી સંસ્થા પાસેથી ખરીદીને એવોર્ડ મેળવી લીધો. સાંભળવામાં બહુ વિચિત્ર લાગે પણ આ એક કડવું સત્ય છે, જેણે નર્મદ યુનિવર્સિટીની શાખ સામે સવાલ ઊભો કરી દીધો છે. આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોર ચાવડાને 27 જૂને કેટીકે આઉટસ્ટેન્ડિંગ એચિવર્સ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ અપાયો હતો. તેમને જે. ઝેડ. શાહ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેના તેમના કાર્યકાળ માટે આ એવોર્ડ અપાયો. એવોર્ડ જારી થયા બાદ યુનિવર્સિટી રજિસ્ટ્રારે પરિપત્ર જારી કરીને વીસીને આ સિદ્ધિ બદલ અભિનંદન પણ પાઠવ્યા. ચાવડાને કોરોનાકાળમાં ત્યારે બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ અપાયો કે જ્યારે તેઓ વીસી છે. આવા દરેક એવોર્ડનો રેટ ફિક્સ છે. પૈસા આપો અને જે જોઇએ તે એવોર્ડ લઇ જાય. એવોર્ડ આપનારી સંસ્થાના કરતૂત જનતા સમક્ષ લાવવા ભાસ્કરના રિપોર્ટરે સંસ્થાનો સંપર્ક કરી એવોર્ડની માગ કરી. વાત કરતા જ સંસ્થાએ તરત તેનું રેટ કાર્ડ બતાવી દીધું. કંપનીના પ્રતિનિધિઓએ સ્વીકાર્યું કે તેમણે 7500 રૂ.માં ચાવડાને બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ આપ્યો. દિલ્હીની આ સંસ્થા બાયોડેટાથી માંડીને બેસ્ટ એજ્યુકેશનિસ્ટ, બેસ્ટ પ્રિન્સિપાલ, બેસ્ટ ટીચર જેવા ઘણાં પ્રકારના એવોર્ડ આપી દે છે, સર્ટિફિકેટ પણ જારી કરે છે.
સુરત: વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીના કુલપતિએ 7500 રૂપિયામાં ખાનગી સંસ્થા પાસેથી ‘બેસ્ટ પ્રિન્સિપાલ’નો ખરીદ્યો એવોર્ડ
Advertisement