સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામમાં, ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં, હાલ તરણેતરનો વિશ્વ પ્રસિદ્ધ મેળો ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યના પ્રવાસન મંત્રી તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા આજે આ મેળામાં પધાર્યા હતા. અહીં તેમણે પશુ પ્રદર્શન હરીફાઈ નિહાળી હતી અને પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.
મંત્રી મુળુભાઈએ પશુ પ્રદર્શન હરીફાઈમાં સૌથી પહેલા ગાય માતાનું પરંપરાગત પૂજન કર્યું હતું. એ પછી તેમણે પશુ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. ઉપસ્થિત પશુપાલકો સાથે વાત કરીને તેઓ પશુઓની સારસંભાળ કઈ રીતે કરે છે, તેની પણ માહિતી મેળવી હતી. આ તકે પશુપાલન ખાતાના અધિકારીઓએ મંત્રીને આ હરીફાઈના વિવિધ પાસાઓ, પશુઓની વિવિધ નસ્લો સહિતની બાબતો વગેરે અંગે માહિતગાર કર્યા હતા.
આ પશુ પ્રદર્શનમાં ગીરની ગાય, જાફરાબાદી ભેંસો, પાડા વગેરે મળીને ૧૭૦ જેટલા પશુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરનો રાજનાથ નામનો ૧૪૪૫ કિલોનો મહાકાય જાફરાબાદી પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ તકે મંત્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈ પણ યોજાય છે. જેમાં પશુપાલકો રાજ્યના ખૂણે-ખૂણેથી ઉચ્ચ ઓલાદનાં લક્ષણો ધરાવતા પશુઓ નિહાળી શકે છે. પશુઓના નિભાવ અને પરિવહન પાછળ થતા ખર્ચને ધ્યાને રાખી વિજેતા પશુઓ માટે નિભાવ ખર્ચ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત પશુના પરિવહનનો ખર્ચ પણ આપવામાં આવે છે.
આ તકે વઢવાણના ધારાસભ્ય તથા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણ પટેલ, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, જિલ્લા કલેકટર કે.વી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, પશુપાલન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે, તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે ત્રણ દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે રૂ.૧૧.૩૭ લાખનાં કુલ ૨૨૦ ઈનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ‘ચેમ્પિયન ઓફ ધ શો’ને રૂ.૫૧,૦૦૦/- નું ઈનામ આપવામાં આવે છે.