સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ અગાઉ થયેલી જૂથ અથડામણની ઘટનામાં જામનગર એસપીની આગેવાનીમાં સીટની રચના કરવાના આદેશ ગૃહ વિભાગ તરફથી આપવામાં આવ્યા છે. આગામી સમયમાં આ મામલે તપાસ કરીને રીપોર્ટ ગૃહ વિભાગને સીટ દ્વારા સોંપવામાં આવશે.
ચકચારી મચાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના સમઢીયાળા ગામમાં દલીત પરીવારના બે ભાઈઓની હત્યા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો છે. જેને લઈને કોંગ્રેસે પણ આકરા પ્રહારો ગૃહ વિભાગ અને પોલીસ પર કર્યા હતા. કેમ કે, કોંગ્રેસના કહેવા અનુસાર આ પરીવારે ગૃહ વિભાગને અગાઉ અરજી કરી હતી પરંતુ આ મામલે કોઈ એક્શન લેવામાં આવી નહોતી. આખરે જમીન મામલે 15 થી 20 લોકોએ મારા મારી કરતા બે સગા દલીતી ભાઈઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ મર્ડર કેસ મામલે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ ઘટના બાદ જામનગર જિલ્લાના એસપીની આગેવાનીમાં સીટની રચના કરવામાં આવી છે. સીટ દ્વારા આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. ચુડાના સમઢીયાળાની આ ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે પરીવારે મૃતદેહ સ્વિકારવાનો પણ ઈનકાર કર્યો હતો. આ સાથે જ આ સમાજના આગેવાનો દ્વારા ન્યાયની માંગણી સાથે ભારે વિરોધ પણ કરવામાં આવ્યો હતો.