સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદે દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસની અસુવિધા મામલે વિદ્યાર્થીઓ પરેશાન થયા રહ્યા છે. અને આગામી દિવસોમાં બસોની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો થોરીયાળી ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ મહેન્દ્ર મુંજપરાએ દત્તક લીધેલા થોરીયાળી આદર્શ ગામે એસટી બસો વિદ્યાર્થીઓ માટે ઊભી નહીં રહેતા તેમજ સમયસર બસો નહીં મળતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. થોરીયાળી ગામેથી 70 જેટલી વિદ્યાર્થીઓ સાયલા અભ્યાસ અર્થે એસટી બસમાં અપડાઉન કરે છે. સ્કૂલના ટાઈમ પર થોરીયાળી પાસેથી પસાર થતી એસટી બસ સુદામડા વાતાવર જેવા ગામોમાંથી ઉપરથી ફૂલ ભરેલી બસ આવતા તેમજ જગ્યા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને લીધા વગર જતી રહેતી હોય છે. તેવી ફરિયાદ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આ બાબતે ગામના સરપંચ દ્વારા એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. આ અંગે આવનારા દિવસોમાં બસની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો થોરીયાળી ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
સ્કૂલ છૂટવાના ટાઈમે પણ બસના ટાઈમમાં ફેરફાર કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. જ્યારે પાંચ વાગ્યે સ્કૂલ છૂટે ત્યારે બસનો ટાઈમ પણ સાંજે પાંચ વાગ્યાનો હોવાથી સ્કુલથી નવું બસ સ્ટેન્ડ બે કિલોમીટર જેટલું દૂર હોય વિદ્યાર્થીઓ ચાલીને બસ સ્ટેન્ડે પહોંચે તો બસ જતી રહે છે. બીજી બસ ન આવે ત્યાં સુધી કલાકો સુધી બસ સ્ટેન્ડમાં ઘરે જવા માટે રાહ જોવી પડે છે માટે વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોની માંગ છે યોગ્ય વ્યવસ્થા કરવા માટે ઉઠી છે.