લીંબડી-લખતર સ્ટેટ હાઈવે પર શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિયાણી ગામે રહેતા 2 શ્રમજીવી ભાઈના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ભાગવાની કોશિશ કરનાર વાહનચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો.
લીંબડી તાલુકાના શિયાણી ગામે રહી ભંગારનો વ્યવસાય કરતા સુરેશભાઈ ભુપતભાઈ વાજા અને તેમના ભાઈ વાલજીભાઈ ભુપતભાઈ વાજા છકડા રિક્ષાનો સ્પેરપાર્ટ લેવા બાઈક લઈને લીંબડી આવી રહ્યા હતા. લીંબડી-લખતર હાઈવે પર શિયાણી ગામના પુલ ઉપર તેમના બાઈકનો આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર સુરેશભાઈ અને વાલજીભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી આઈસર ચાલક ફરાર થઈ રહ્યો હતો. ત્યારે પીએસઆઈ એન.એચ.કુરેશી, મયુરધ્વજસિંહ ઝાલા સહિત પોલીસ ટીમે ભલગામડા ગામે આઈસર ચાલકને ઝડપી પાડ્યો હતો. એક જ પરિવારના 2 ભાઈના મોતના સમાચારથી શિયાણી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આમ શિયાણી ગામ નજીક બાઈક અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં શિયાણી ગામે રહેતા 2 શ્રમજીવી ભાઈના મોત નીપજ્યા હતા. સમગ્ર ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.