સુરેન્દ્રનગર-લખતર વચ્ચે દેદાદરા ગામ પાસે થયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે બે યુવાનોને ગંભીર ઈજાઓ થઈ છે. આ અંગેની પ્રાપ્ત વિગત એવી છે કે, લખતર તાલુકાનાં બજરંગપુરા ગામનો યુવક બુલેટ બાઈક લઈને લખતરથી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો, ત્યારે સુરેન્દ્રનગરથી દેદાદરા તરફ અન્ય એક બાઈક લઈને બે વ્યક્તિ જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર આ બન્ને બાઈક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. એજ સમયે પાછળથી આવતી યુટીલીટી વાહનનાં ચાલકે બુલેટ બાઈકચાલકને અડફેટે લેતા બજરંગપુરા ગામનાં 29 વર્ષના આ બુલેટ ચાલક વિમલભાઈ વિનુભાઈ પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ.
જ્યારે અન્ય બાઈકવાળા દેદાદરા ગામનાં 27 વર્ષના અક્ષય અજમલભાઈ જાદવ અને 22 વર્ષના રાજુભાઈ નરસિંહભાઈ દલવાડી નામનાં બે યુવાનોને ગંભીર ઈજાઓ થતા 108 ની ટીમ દ્વારા બન્નેને સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પીટલે લઈ જવામાં આવી છે. મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ લઈ જવામાં આવી છે. આ અકસ્માતના બનાવને પગલે રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં વઢવાણ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ ટ્રાફિક ક્લિયર કરાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. લખતર તાલુકામાં નેશનલ હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કાર પલ્ટી મારતા તેમાં મુસાફરી કરી રહેલા ચારથી વધુ લોકોને ઈજા થઇ છે. લખતર પાસે આવેલા વિઠલાપરા ગામ અને ઓળખ ગામની વચ્ચે એક કાર પલ્ટી મારી જતા જેમાં મુસાફરી કરી રહેલા ચારથી વધુ લોકોને સામાન્ય અને નાની મોટી ઈજાઓ થવા પામી છે. ત્યારે આ ઘટના નજરે નિહાળનાર જણાવી રહ્યા છે કે, કારે ત્રણ ચાર પલ્ટી ખાઇ જતા તેમાં મુસાફરી કરી રહેલા ચાર વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક આશરે સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. અને આ અંગેની જાણકારી આપવામાં આવતા તાત્કાલિક આશરે લખતર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી રહી છે.