સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેતું હતુ અને કોઈકવાર સૂર્યનારાયણ કોમળ તડકો વરસાવતા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. બીજી તરફ કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
ઝાલાવાડના લોકો છેલ્લા થોડા દિવસથી ફુલ ગુલાબી ઠંડીનો અનુભ કરતા હતા. ત્યારે હવામાન વિભાગની આગાહી જાણે સાચી પડતી હોય તેમ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના અન્ય જિલ્લાઓમાં તો વરસાદ પણ વરસ્યો છે. જ્યારે ઝાલાવાડમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ છે. સવારથી સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે કોઈકવાર સૂર્યનારાયણ કોમળ તડકો વરસાવતા હતા. બાદમાં ફરી વાદળો પાછળ ઢંકાઈ જતા હતા. ત્યારે વાદળછાયા વાતાવરણને લીધે જિલ્લાના હવામાનમાં ભેજનું પ્રમાણ પણ વધ્યુ છે. સવારના સમયે 40થી 45 ટકા સામાન્ય રીતે રહેતા ભેજનું પ્રમાણ સવારે 60 ટકાથી વધુ જોવા મળ્યુ હતુ. ભેજનું પ્રમાણ વધતા તેની સીધી અસર ઠંડી પર પડી છે. અને લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ગયો છે. છેલ્લા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનનો પારો 3.5 ડીગ્રી અને છેલ્લા 24 કલાકમાં પારો 2 ડીગ્રી ઉપર ગયો છે. બીજી તરફ અન્ય જિલ્લાઓની સાથે ઝાલાવાડમાં પણ વરસાદની વકી સેવાઈ રહી છે. જોકે, બુધવાર સાંજ સુધીમાં જિલ્લામાં ક્યાંય વરસાદ પડવાના વાવડ નથી. પરંતુ વરસાદની ક્યતાને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. ખેડૂતોએ વાવેતર કરેલા ઘઉં, જીરૂ સહિતના પાકોને માવઠાને લીધે નુકશાન થવાની શક્યતા સેવાઈ રહી છે.