લીંબડી તાલુકાના રળોલ ગામના પાટીયા પાસેથી ગેરકાયદે હાથ બનાવટની પિસ્તોલ સાથે વઢવાણનો શખ્સ ઝડપાયો હતો. પાણશીણા પોલીસે પિસ્તોલ સાથે પકડાયેલા શખ્સ સહિત તેને ગેરકાયદે હથિયાર આપનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
પાણશીણા પોલીસ મથકના તાબા હેઠળ આવતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી મળી હતી કે રળોલ ગામના બોર્ડ નજીક 1 શખ્સ ગેરકાયદે હથિયાર લઈ ઊભો છે. સીપીઆઈ એમ.એમ. પુવાર, પાણશીણા પીએસઆઈ એચ.એચ.જાડેજા, કુલદીપસિંહ ગોહિલ સહિત પોલીસ ટીમ પંચો સાથે બાતમીના સ્થળે દોડી આવ્યા હતા. શંકાસ્પદ શખસની પૂછપરછ હાથ ધરતા તેને પોતાની ઓળખ વઢવાણ ધોળીપોળ કસ્બા શેરી મદ્રેસા પાસે રહેતો રાહિલ ઉર્ફે મોન્ટુ અસલમખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. રાહિલ પઠાણની અંગઝડતી લેતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પિસ્તોલ તેને સુરેન્દ્રનગર, શ્રદ્ધા હોટલ પાછળ રહેતા હાજીસા અલ્લારખ અમીનસા પાસેથી 5000 રૂ.માં ખરીદી હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા રાહિલ પઠાણ સામે વઢવાણ પોલીસ મથકે 7 અને અમદાવાદ દાણીલીમડા પોલીસ મથકે 1 મળીને 8 ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે હથિયાર આપનાર હાજીસા ફકીર સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકે પકડાયો છે.