ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં જિલ્લા ચૂંટણી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તા.૨૨ અને ૨૩એ પોસ્ટલ બેલેટથી ૨૯૭૮ જેટલા જવાનોએ મતદાન કર્યું હતું. જેમાં ૬૦-દસાડા વિધાનસભા મતદાર વિભાગમાંથી ૪૯૮, ૬૧-લીંબડી વિધાનસભા મતદાન વિભાગમાંથી ૬૯૧, ૬૨-વઢવાણ વિધાનસભા મતદાર વિભાગમાંથી ૯૦૦, ૬૩-ચોટીલા વિધાનસભા મતદાન વિભાગમાંથી ૫૮૪, ૬૪- ધ્રાંગધ્રા વિધાનસભા મતદાન વિભાગમાંથી ૩૦૫ એમ મળી જિલ્લામાંથી કુલ ૨૯૭૮ પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ/હોમગાર્ડઝના જવાન અને ગ્રામ રક્ષક દળના જવાનોએ મતદાન કર્યું હતું.
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનની ટકાવારી વધે અને જિલ્લાના મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ રીતે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે એસ.એસ.પી. જૈન કોલેજ, ધ્રાંગધ્રા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી વિવિધ કલાત્મક રંગોળીઓ રચીને મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સી.પી ઓઝા હાઈસ્કૂલ સુરેન્દ્રનગર ખાતે એન.સી.સી કેડેટ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.