સુરેન્દ્રનગર જીલ્લા કિશાન કોંગ્રેસનાં ચેરમેન રામકુભાઈ કરપડા (દુધઈ મુળી) એ ભારતબંધનુ એલાન શા માટે છે. તેની છણાવટ કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદા બનાવ્યા છે તે ખેડૂતોનાં હિતમાં નથી.
કેન્દ્ર સરકાર ખેતી અને ખેત પેદાશનુ કંપનીકરણ કરી રહી છે આમ થવાથી કંપનીઓ ખેત પેદાશોનું જમાં ખોરી કરશે કંપની માલામાલ થશે જ્યારે ખેડૂતોને કોઈ ફાયદો થશે નહીં. આમ આ ત્રણ કૃષિ કાયદાઓ ખેડૂતો વિરોધી હોય તેને રદ કરવા અને ટેકાનાં ભાવને કાયદાનું રક્ષણ આપવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે.
ટિકરી બોર્ડર પર છેલ્લા નવ માસ કરતા વધું સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં 600 કરતાં વધુ ખેડૂતો શહિદ થયા છે તેમ છતાં કેન્દ્ર સરકાર નવા ઘડેલ કૃષિ કાયદા રદ કરવા તૈયાર નથી. આ સંજોગોમાં સંયુક્ત કિસાન મોરચાએ આજે 27 સપ્ટેમ્બરનાં ભારતબંધનુ એલાન આપ્યું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગામોમાં તેમજ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ખેડૂતોએ પેટ્રોલ ડીઝલનાં વધી રહેલ ભાવો રાંધણ ગેસનાં ભાવો, બેરોજગારી, મોંઘવારી જેવી બાબતોને પણ આંદોલન સાથે આવરી લીધી છે.
આ મુદ્દાઓ જનસમુદાયને સ્પર્શતાં હોઈ સુરેન્દ્રનગર જીલ્લા કિશાન કોંગ્રેસે તમામ લોકોને બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. ખેતી અને દેશનાં હિતમાં દરેકને એક દિવસ કામ ધંધા રોજગાર બંધ રાખવા જણાવાયુ હતુ. ખેડૂતોએ ખેત પેદાશોનું વેચાણ એક દિવસ બંધ રાખવા અને આમ જનતા ભારતબંધને સમર્થન કરે તે માટે અપીલ કરવામાં આવી છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર