ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શીશપાલજીના અધ્યક્ષસ્થાને લીંબડી ની સરસ્વતી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શીશપાલજીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય, નાગરિકો યોગમય બને અને યોગમાં ભારત દેશ વિશ્વગુરુ બને તેવા ઉમદા હેતુથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું નિર્માણ કરાયું છે અને તે જ નિર્ધારિત દિશામાં આજે યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. ‘બધા જ રોગનો ઈલાજ યોગ’ કહી તેમણે ઉમેર્યું હતું કે, યોગ કરવાથી માનવ શરીરના રોગનું નિદાન થાય, જીવનશૈલી ઉત્તમ બને, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય, ભૌતિક સુખ સાથે આધ્યાત્મિક સુખ પણ મળે તેમજ સફળતા અને શાંતિ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ભારતની જ્ઞાન પરંપરામાં યોગનું અદભૂત યોગદાન રહેલું છે.
તેમણે કોરોના મહામારી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વ આજે જ્યારે કોરોના મહામારીના કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે માનસિક શાંતિ માટે સમગ્ર વિશ્વ યોગ તરફ આકર્ષાયું છે અને યોગને અપનાવી રહ્યું છે.
વધુમાં તેમણે ઉપસ્થિત લોકોને નિયમિત યોગ કરવા આહવાહન કર્યું હતું તેમજ સામાન્ય માણસ પણ પોતાના શરીરને યોગ થકી સ્વસ્થ રાખી શકે તે માટે વિવિધ યોગાસનો દ્વારા યોગથી થતાં લાભોથી ઉપસ્થિતસર્વેને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્યશ્રી ભાનુભાઇ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધનમાં હવે તો બસ એક જ વાત, યોગમય બનશે ગુજરાતના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિ રોગ, ક્રોધ અને વ્યસનથી મુક્ત બને તે દિશામાં આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. જેના પરિણામે આજે ગુજરાત રાજ્યમાં અંદાજિત ૫૦ હજાર જેટલા યોગ ટ્રેનરોને તૈયાર કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, તેમજ બકુલભાઈ ખાખી એ પણ પ્રાસંગિક ઉદબોધન કરી યોગનું મહત્વ સમજાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં તદુપરાંત તાલુકા ના વિવિધ યોગ કોચ દ્વારા તૈયાર કરવામાં આવેલ યોગકૃતિઓનું પ્રદર્શન જિલ્લાના યોગી-યોગિનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લાના નવા 50 યોગ ટ્રેનરોને મહાનુભાવોના હસ્તે યોગ ની બુકો વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં લીંબડી પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ સોલંકી, લીંબડી મામલતદાર આર.એલ.ચૌહાણ, લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, લીંબડી સરસ્વતી વિધા સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી બકુલભાઈ ખાખી, ઉધોગપતિ બાબુભાઇ જિનવાળા, સુરસાગર ડેરી ચેરમેન બાબાભાઈ ભરવાડ, લીંબડી યોગ ટ્રેનર જગમાલભાઈ અલગોતર સહિતના યોગ બોર્ડના યોગ કોચ, યોગ ટ્રેનરો તથા યોગ સાથે જોડાયેલી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર