લીંબડીના મફતીયાપરામાં દેશી દારૂની પોટલીની હેરાફેરી થતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચકચાર મચી જવા પામી છે. દારૂનો વીડિયો ફરતો થતા જ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વીડિયો પ્રિ-પ્લાન્ટ કરી પોલીસને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું PSIએ જણાવ્યું હતું.લીંબડી નગરપાલિકા પાછળ આવેલા મફતીયાપરા વિસ્તારમાં દેશી દારૂની પોટલીની હેરાફેરી થતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા ચકચાર મચી જવા પામી છે.
વાયરલ વીડિયોમાં એક અજાણ્યો વ્યક્તિ 2 થેલીમાં કોઈ વસ્તુ લઈ ભાગતો દેખાય છે. જેને એક મહિલા ઊભો રાખી તપાસ કરતા તેની બન્ને થેલીમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવે છે. દારૂની કોથળીઓ હેરાફેરી કરતા વ્યક્તિને મહિલાએ દારૂ ક્યાંથી લાવ્યા? કેટલા સમયથી દારૂનો ધંધો કરો છો? કોની પાસેથી લાવ્યા? સહિતના સવાલો કર્યાં પરંતુ દારૂની હેરાફેરી કરતો વ્યક્તિ ગોળ-ગોળ જવાબ આપી દેતો નજરે પડ્યો હતો. દારૂની હેરાફેરી થતો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.વાયરલ વીડિયો અંગે લીંબડી PSI વી.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે મારી પાસે જ્યારે આ વીડિયો આવ્યો એટલે તરત જ મેં પોલીસ ટીમને સ્થળ તપાસ માટે મોકલી હતી.
ત્યાં આવું કશું જોવા મળ્યું નહોતું. આ બધું બનાવટી હોય તેવું લાગે છે. વીડિયો ફરતો કરી કોઈ હલકી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરી રહ્યું છે. વીડિયો પ્રિ-પ્લાન્ટ કરી પોલીસના મોરાલને ડાઉન કરવાનું ષડયંત્ર છે. વીડિયોમાં દેખાતી કોથળીઓમાં દારૂ છે કે અન્ય કોઈ પ્રવાહી તે પણ જાણી શકાતું નથી. વીડિયોમાં દેખાતા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. તે વ્યક્તિ મળી જશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત થઈ જશે.