સુરેન્દ્રનગર હળવદના રાજકારણમાં ચર્ચા ભાજપ મહામંત્રી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, સરકારી જમીન પચાવી પાડનાર એક જ પરિવારના 6 સભ્યો સામે ગુન્હો નોંધાયો. હળવદના શિરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના આઠ પ્લોટ પચાવી પાડતા હળવદ તાલુકા ભાજપ મહામંત્રી અને તેમના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ ફરિયાદ નોંધતા ખળભળાટ મચી ગયો છે અને આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોય આરોપીઓને બચાવવા મોટાંગજાના નેતાઓ ધંધે લાગી ગયા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શિરોઇ ગામે નવા ગામતળની સિંચાઈ વિભાગ હસ્તકની જમીનના પ્લોટ નંબર 32, 33, 34, 35, 36, 37, 38 અને 39ની સરકારી જમીન આરોપી કાળુ માવજી, વનરાવન રૂપા, પ્રતાપ માવજી, વિજય રૂપા, અનિલ અમરસિંહ અને સંજય રૂપા, રહે. તમામ શીરોઈ ગામ, તા.હળવદ વાળાઓએ અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે કબજો જમાવી ઉપયોગ કરતા આ મામલે નાયબ કાર્યપાલક ઈન્જનેર, સીંચાઈ વિભાગ હળવદના કિશનભાઈ લીંબડીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે અને આરોપીઓ હાથવેંતમાં હોવાનું મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે જેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવા સંજયભાઈ રૂપાભાઈ પંચાસરાની તાજેતરમાં જ હળવદ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે અને તેઓ મોટાંગજાના જૂથના નિકટતમ હોવાથી લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ થયા બાદ પણ બચાવવા માટે એડી ચોટીનું જોર નેતાગીરી લગાવી રહી હોવાનું જાણવા મળે છે.