લીંબડી શહેરમાં એક વકીલ પર ધોળા દિવસે હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. વકીલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ વકીલને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જે હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો તે ઘટના સ્થળેથી મળી આવ્યું છે. હુમલાના સમાચાર સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. વકીલ બી.જે. પટેલ પર જીવલેણ હુમલો થયો છે.
મળતી માહિતી પ્રમાણે બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ બી.જે.પટેલ પર જીવલેણ હુમલો થયો છે. વકીલ પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે યુવક ઓફિસ ખાતે ધસી આવ્યો હતો. આ હુમલા પાછળ અંગત અદાવત જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. એવી માહિતી મળી છે કે વકીલને હુલાખોર સાથે છેડતી બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. જેની અદાવતમાં જ આ હુમલો કરવામાં આવ્યો છે. વકીલ જ્યારે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે યુવક છરી સાથે ધસી આવ્યો હતો અને વકીલ પર મસાલો ઉડાવ્યો હતો. યુવકના આવા કૃત્યથી વકીલ પોતાની આંખો ચોળવા લાગ્યા હતા. આ દરમિયાન યુવકે વકીલને પોતાની પાસે રહેલી છરી હુલાવી દીધી હતી. હુમલા બાદ યુવક ભરચક બજારમાંથી નાસી ગયો હતો. બી.જે. પટેલના બીજા વકીલ મિત્રો પણ હુમલા વખતે ઓફિસમાં હાજર હતા. જે બાદમાં તેમણે વકીલને તાત્કાલિક લીંબડીની જ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. યુવકે જે રીતે હુમલો કર્યો છે તેના પરથી આ પૂર્વઆયોજિત કાવતરું હોવાનું લાગી રહ્યું છે. હુમલા બાદ પોલીસે યુવકની શોધખોળ આદરી છે. ત્યારે હાલ આ બાબતે લીંબડી પોલીસ ઘટનાસ્થળે તેમજ લીંબડી હોસ્પિટલ ખાતે આવી વધુ તપાસ હાથ ધરી હતી.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
લીંબડીમાં વકીલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હુમલાખોર ભરચક બજારમાંથી ભાગી ગયો.
Advertisement