ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર છે જેમાં 61 લીંબડીની બેઠકની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારમાં લીંબડી, ચુડા અને સાયલામાં કોળી સમાજનું જબરું વર્ચસ્વ રહ્યું છે. કોળી સમાજની સંખ્યા પણ આ મત વિસ્તારમાં વધુ પડતી છે. ત્યારે હાલ કોળી સમાજને વિધાનસભામાં આ સીટ પર ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળતા કોંગ્રેસનાં કાર્યકર અને સાયલા તાલુકાનાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગોપાલભાઈએ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય કોંગ્રેસ પક્ષમાંથી કોળી સમાજને ટિકિટ ન મળતા કોળી સમાજનું કોંગ્રેસ સામે વિરોધ હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી વિધાનસભા 61 માં ક્ષત્રિય સમાજનાં કિરીટસિંહ રાણા પર પસંદગી ઉતારી છે અને કોંગ્રેસે ચેતનભાઈ ખાંચર પર પસંદગી ઉતારી છે. ત્યારે કોળી સમાજનાં વધુ પડતાં મત આ વિસ્તારમાં હોય તેમ છતાં કોળી સમાજની ભાજપ અને કોંગ્રેસ બંને પરતીએ અવગણના કરી છે ત્યારે ઉમેદવારી નોંધવાના છેલ્લા દિવસે આજે કોળી સમાજનાં ગોપાલભાઈ મકવાણાએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામ નોધાવ્યું છે. આગામી સમયમાં જોવું રહ્યું કે કોનું પલ્લું ચૂંટણીનાં જંગમાં ભારી રહે છે ?
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર