સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં પોલીસે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી. માત્ર એક મહિનાની અંદર એટલે કે 29 દિવસમાં ફાંસીની સજા આપવામાં આવી હોય એવો ગુજરાતના ઈતિહાસનો પહેલો ચુકાદો છે. ચોથી નવેમ્બરના રોજ માત્ર અઢી વર્ષની બાળકીનું અપહરણ કરીને પરપ્રાંતિ એવો ગુડ્ડુ યાદવ વડોદ નજીક ઝાડીઝાખરામાં લઈ ગયો હતો અને બાળકી પર દુષ્કર્મ ગુજારી તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. પાંડેસરા પોલીસે અપહરણ બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
આરોપી ગુડ્ડકુમાર યાદવ પીડિત બાળકીનો પાડોશી હતો. આરોપી ગુડ્ડકુમાર યાદવ પણ બે સંતાનનો પિતા છે. આરોપી મોબાઇલમાં પોર્ન વીડિયો જોયા બાદ ઘરના આંગણામાં રમી રહેલી બાળકી પર નજર બગાડીને તેનું અપહરણ કરી બદકામ કર્યું હતું. પોલીસને ગુડ્ડુના મોબાઇલમાંથી કેટલાક પોર્ન વીડિયો મળ્યા હતા.