દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘આઝાદીનો અમૃત્ત મહોત્સવ’ અભિયાન અંતર્ગત ગ્રામવિકાસ વિભાગ દ્વારા આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ રથ’ દ્વારા ત્રિદિવસીય યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮મી ના રોજ ખેડામાં આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમથી થશે.
સુરત જિલ્લામાં આ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનો રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ તા.૧૮મી નવેમ્બરે સવારે ૯:૦૦ વાગ્યે મહુવા તાલુકાના ગુણસવેલ ગામના કણબીવાડ ફળીયાથી શુભારંભ કરાવશે. ત્રિદિવસીય અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.૮૯.૪૫ કરોડના ૨૬૦૬ વિકાસકામોના ખાતમુહુર્ત અને રૂ.૪૧ કરોડના ૧૫૬૧ વિકાસકામોનું લોકાર્પણ એમ કુલ રૂ.૧૩૦ કરોડના ૪૧૬૭ વિકાસકામોનું ખાતમુહુર્ત- લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત વ્યક્તિગત સહાયના ૮૧૯૩ લાભાર્થીઓને રૂ.૫.૬૬ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ પણ કરાશે. જેમાં જિલ્લાના વિવિધ સ્થળોએ પદાધિકારીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રથ દ્વારા ગ્રામવિકાસ વિભાગ અને અન્ય ૯ વિભાગ સંલગ્ન વિવિધ યોજનાકીય વિગતોથી ગ્રામજનોને માહિતગાર કરાશે. આ ઉપરાંત, વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ, લોન સહાયના ચેકોનું વિતરણ, વિવિધ કેમ્પો અને નિદર્શન શિબિરો, વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે.
સુરત જિલ્લામાં ફાળવાયેલા ૩ આત્મનિર્ભર ગ્રામ રથો સુરત જિલ્લા પંચાયતની ૩૬ સીટ વિસ્તાર હેઠળ સમાવિષ્ટ ગામોમાં સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ અને સાંજે ૪.૦૦ થી રાત્રિના ૮.૦૦ વાગ્યા દરમિયાન પરિભ્રમણ કરીને યોજનાકીય જનજાગૃતિ ફેલાવશે. સમગ્ર રાજ્યની કુલ ૧૦૯૦ જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં ૧૦૦ જેટલા રથ પરિભમ્રણ કરશે. જે પૈકી તા.૧૮ મીએ સુરત જિલ્લા પંચાયતના માંગરોળ તાલુકાના પીપોદરા, કોસંબા, માંગરોળ, નાની નરોલી સીટોના પીપોદરા, કોસંબા, સીમોદરા, વાંકલ ગામોમાં રથ ફરશે. આ દિવસે સવારે ૮:૦૦ વાગ્યાથી ગ્રામીણ કક્ષાએ શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, આશા, સખીમંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ તથા પાણી સમિતિ અને ગ્રામજનો દ્વારા સ્વચ્છતા જનજાગૃતિ રેલી યોજાશે. ત્યારબાદ શાળાઓ, પંચાયતઘર, આંગણવાડી કેન્દ્ર, પોસ્ટઓફિસ, બેન્ક, દૂધ મંડળી, પશુ દવાખાના, આરોગ્ય કેન્દ્રો વિગેરેની સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. ઉપરાંત, સફાઈ કર્મીઓ, કોરોના વોરિયર્સ, ગૃહ ઉદ્યોગ કરી સ્વનિર્ભર બનેલી બહેનો અને સ્વસહાય જૂથો તેમજ સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરાશે. તા.૨૦મી નવે.ના રોજ તાલુકા કક્ષાએ આ કાર્યક્રમનું સમાપન કરાશે.