ઉમરપાડા તાલુકાના બીજલવાડી ગોંદલીયા રાણીકુંડ, ઝરપણ સહિત ચાર ગામોમાં ભારે વાવાઝોડું ફૂંકાતા ઘરોના પતરા ઉડ્યા હતા તેમજ ૨૬ જેટલા વીજપોલ અને સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા હતા.
સાંજના સમયે અચાનક વાતાવરણે પલટો લીધો હતો અને ઉમરપાડાના બીજલવાડી ગોંદલીયા સહિતના ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે તારાજી સર્જાઇ હતી જેમાં મુખ્ય માર્ગ પર રાણી કુંડ ગામના પાટિયા પાસે ટેકરી પર રહેતા અને દુકાન ચલાવતા નરસિંહભાઈ વસાવા, મિથુનભાઈ વસાવા, હુંડીબેન વસાવાના ઘર દુકાનને ભારે નુકસાન થયું હતું. જ્યારે બીજલવાડી ગામે નારસિગભાઈ મયલાભાઈ વસાવા તેમજ અનિલભાઈ ગુલાબસિંગ વસાવાના ઘરોને વ્યાપક નુકશાન થયું હતું. રાણી કુંડ ઝરપણ વગેરે ગામોમાં અનેક ઘરોના પતરા ઉડવાની નાની મોટી ઘટનાઓ બની છે જ્યારે બીજલ વાડી ગામે 10 વિજ પોલ તેમજ ગોંદલીયા ગામે ૧૬ જેટલા વીજપોલ અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ ખેતીના પાકોને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ હોવાનું જાણવા મળી રહ્યું છે. વાવાઝોડાએ ચાર ગામોમાં ભારે તારાજી સર્જાતા નુકશાનનો ભોગ બનેલા આદિવાસી પરિવારો વ્યાપક મુશ્કેલીમાં મુકાયા હતા. સરકારી તંત્ર અને સ્થાનિક આગેવાનો અસરગ્રસ્ત લોકોની મદદ દોડી આવ્યા હતા. તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન ચૌધરી, ગોંદલીયાના સરપંચ ગુલાબભાઈ વસાવા, સરવણ ફોકડીના સરપંચ નટુભાઈ વસાવા તેમજ તાલુકા વિકાસ અધિકારી આર આર સોલંકી, તલાટી કમમંત્રીઓ અને સરકારી કર્મચારીઓ સાથે વાવાઝોડા ગ્રસ્ત ગામો ની મુલાકાત લીધી હતી અને નુકશાની અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. તાલુકા ભાજપ સંગઠનના આગેવાનો સામસિંગભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શાંતિલાલ વસાવા, મહામંત્રી મનીષભાઈ વસાવા સહિત ભાજપ સંગઠનના આગેવાનોએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઇ જરૂરી મદદની ખાતરી આપી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ
ઉમરપાડાનાં બીજલવાડી, ગોંદલીયા સહિત ચાર ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે નુકસાન.
Advertisement