સુરત એસ.ટી.વિભાગના માંડવી એસ.ટી ડેપોમાંથી સંચાલન કરતા વાંકલ રાજપરા એસ.ટી રૂટ શરૂ કરવા રાજ્યના વાહન વ્યવહાર મંત્રીના અંગત સચિવની લેખિત સૂચના પછી પણ એસ.ટી શરૂ નહીં કરાતા રાજપરા ઇસનપુર પંથકના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. ત્યારે આ મુદ્દે આખરે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન માંડવી એસ.ટી ડેપોમાંથી સંચાલિત એસ.ટી રુટ વાંકલ રાજપરાની વિદ્યાર્થી ટ્રીપો બંધ કરી દેવામાં આવી હતી અને વારંવારની માંગણી કરવા છતાં વાંકલ રાજપરા એસ.ટી રૂટ શરૂ નહીં થતાં હાલ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલમાં શાળા-કોલેજો, હાઇસ્કુલ જેવી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ થઈ ગઈ છે. રાજપરા પંથકના ૭૫ થી વધુ વિધાર્થીઓ વાંકલ ખાતે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરે છે. પરંતુ શાળા-કોલેજોના સમયે કોઈ પણ એસ.ટી. બસની સુવિધા નથી. સવારના સમયે એક એસ.ટી રુટ કાર્યરત છે પરંતુ બે કલાક વહેલો હોવાથી આ બસનો ઉપયોગ વિદ્યાર્થીઓ કરી શકતા નથી. જેથી વિદ્યાર્થીઓમાં એસ.ટી તંત્રના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ભારે રોષ ફેલાયો છે. શાળા કોલેજમાંથી ઘણા વિદ્યાર્થીઓ વહેલા છૂટી જતા હોય ત્યારે બપોરે 1:30 કલાક પછી એક વધારાનો એસ.ટી રુટ કાર્યરત કરવામાં આવે તેવી પણ હાલ માંગ ઉઠી રહી છે.
ઉભારીયા ગામના સામાજીક આગેવાન દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એસ ટી રૂટ શરૂ કરવા માટે રાજ્યના વાહન વ્યવહાર મંત્રીને લેખિત ફરિયાદ કર્યા પછી તેમના કાર્યાલય દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. વાહન વ્યવહાર મંત્રીના અંગત સચિવ પ્રકાશભાઈ મોદીએ એસ.ટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને પત્ર પાઠવી એસ.ટી રૂટ શરૂ કરવા માટેની સૂચના આપી છે. જેની એક નકલ ઉભારીયા ગામના અરજદારને આપવામાં આવી છે. પરંતુ આજદિન સુધી માંડવી એસ.ટી.ડેપો અને એસ.ટી.ના જવાબદાર અધિકારીઓ દ્વારા અંગત સચિવની લેખિત સૂચનાનું પાલન નગરોળ એસ.ટી તંત્ર દ્વારા કરાતું નથી. ત્યારે માંડવી એસ.ટી ડેપોનો વહીવટ હાલ ખાડે ગયો હોય તેમ લાગી રહ્યું હોવાથી આખરે ઉભારીયા ઇસનપુર રાજપરા પંથકના વિદ્યાર્થીઓ ગાંધીજી ચિંધ્યા માર્ગે ન છૂટકે વાંકલ રાજપરા એસ.ટી બસ શરૂ કરાવવા રસ્તા રોકો આંદોલન કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ