સુરત શહેરમાં હાલ જ 11 હજાર કરોડના બોગસ બિલિંગના જે કારભાર સુરતમાંથી પકડાયા છે તેના કરોડો રૂપિયા અડાજણ-ગોરાટ રોડ પર બની જમીન-નવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ થયાની માહિતી મળી છે. રાંદેર-ગોરાટ રોડ પરના પ્રોજેકટમાં છુપા ભાગીદારો મોટો ખેલ કરી રહ્યા છે. બ્લેક મનીને વ્હાઇટ કરવાનું માધ્યમ કેટલાંક પ્રોજેકટ બની ગયા છે. ગોરાટ રોડ પરના મોટાભાગના પ્રોજેકટમાં લોકોએ પુરેપુરી ચુકવણી રોકડમાં કરી દીધી છે. એક પ્રોજેકટમાં તો એક મહિના અગાઉ એવી સ્કીમ બહાર પાડી હતી કે રૂપિયા ચુકવી આપનારને દસ થી પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જીએસટી અને આઇટી જો ફલેટ ખરીદનારાઓના હિસાબો ચકાશે તો મોટું સ્કેન્ડલ સામે આવી શકે છે.
આઇટીના સૂત્રો કહે છે કે અડાજણ પાટિયાના એક વ્યકિતએ સમગ્ર શહેરના બોગસ બિલિંગના કૌભાંડીઓના રૂપિયા આ વિસ્તારમાં રોકવામાં મોટી ભૂમિકા ભજવી છે.ખાસ કરીને દુબઇથી હવાલા મારફત રૂપિયા પણ કેટલાંક પ્રોજેકટમાં રોકાયા હોવાની વાત પણ સપાટી પર આવી છે. આવકવેરા વિભાગએ જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અંતે આ રૂપિયાનું રોકાણ ક્યાં થયુ છે. જેમાં આ રૂપિયા જમીન-મિલકતમાં જ રોકાયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.