Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી સંયુક્ત ઉપક્રમે ‘સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન’ વિષયક પરિસંવાદ યોજાયો.

Share

“આઝાદીનો અમૃત્ત મહોત્સવ એ આઝાદી ઝંખતા અનેક નામી-અનામી લડવૈયાઓએ ઉછેરેલો આંબો છે, જેની મીઠી કેરીઓ આપણે ખાઈ રહ્યા છીએ. આપણાં પૂર્વજોએ સીંચેલા આઝાદીરૂપી આંબાને જતન કરી કઠોર સંઘર્ષ બાદ મળેલી મહામૂલી આઝાદીના વારસાનું જતન કરવાની આપણી નૈતિક ફરજ છે” એમ જાણીતા ચિંતક, લેખક, શિક્ષણકારશ્રી ડો.ભદ્રાયુ વછરાજાનીએ ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુક્ત ઉપક્રમે બારડોલી ખાતે આયોજિત’સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન’ વિષયક પરિસંવાદમાં જણાવ્યું હતું.

બારડોલીના ગોવિંદાશ્રમ હોલ ખાતે આયોજિત પરિસંવાદમાં ડો.વછરાજાનીએ સુરત જિલ્લાને ગાંધીજી અને સરદાર પટેલના જીવન કવનમાંથી બાદ કરી શકાય એમ નથી એમ સ્પષ્ટપણે જણાવતાં વછરાજાનીએ ઉમેર્યું હતું કે, બારડોલી તાલુકાના અકોટી ગામના ભીખીબેન પટેલે વલ્લભભાઈને સરદાર તરીકે સંબોધીને સરદારનું બિરુદ આપ્યું હતું, જેની ખુશી ગાંધીજીએ નવજીવનના અંકમાં લેખ લખીને વ્યક્ત કરી હતી.

તેમણે વર્ષ ૧૮૪૪ થી લઈ ૧૯૪૨ દરમિયાન સુરતના અનેક લડવૈયાઓએ આઝાદીના સંગ્રામમાં આપેલા યોગદાનને નામ સહિત ઉલ્લેખ કરી સ્વાતંત્ર્ય માટેના તેમના સરાહનીય પ્રયાસોનું ગૌરવગાન કરતા કહ્યું કે, ભારતના સ્વતંત્રતા માટેના સંગ્રામમાં સુરતનું પ્રદાન યશસ્વી રહ્યું હતું. દાંડીયાત્રાની ચિનગારીએ સમગ્ર દેશમાં સ્વદેશીની ભાવનાનો સંચાર કર્યો હતો. ગાંધીજીએ દાંડીયાત્રા દ્વારા સમગ્ર દેશમાં જનચેતનાનું આંદોલન ચલાવ્યું તો સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહથી અંગ્રેજોને ઝુકાવ્યા ઉપરાંત દેશને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું.

Advertisement

ડો.વછરાજાનીએ વધુમાં કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે સ્વખર્ચે બારડોલી સ્વરાજ આશ્રમની જમીન ખરીદી હતી. જેથી સત્યાગ્રહી, આઝાદીની લડતના સૈનિકો રહી શકે. ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલન સમયે અંગ્રેજ સરકાર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમની જપ્તી થવાની હતી એ પહેલાં ઉત્તમચંદ શાહે તમામ ગોપનીય દસ્તાવેજો છૂપાવી દીધા હતા. ઉત્તમચંદ શાહ એ બારડોલી સ્વરાજ આશ્રમના ટ્રસ્ટી નિરંજનાબેન કલાર્થીના પિતા હતા એમ જણાવતાં તેમણે સરદાર પટેલની વાનરસેનાના એક વાનર તરીકે નિરંજનાબેન પણ સામેલ હતા એવી રસપ્રદ વિગતો રજૂ કરી હતી.

વર્ષ ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહ સમયે સુરત શહેર અને જિલ્લામાંથી અંગ્રેજો વિરુદ્ધ અનેકવિધ પત્રિકાઓ છપાતી, જેનું પ્રકાશન સુરતના નવયુગ પ્રેસમાં થતું એમ જણાવી તેમણે આઝાદીનો ગૌરવભર્યો કાળ એ રાષ્ટ્રવાદ નહીં, પણ શુદ્ધ રાષ્ટ્રપ્રેમનું પ્રતિક હોવાનું કહ્યું હતું. નિરંજનાબેન કલાર્થીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં કહ્યું કે, બારમી સદીમાં બદરીપલ્લી તરીકે ઓળખાતું બારડોલી નગર સરદાર પટેલની કર્મભૂમિ પણ છે. બારડોલીની ધરતી બોલી શકતી હોત તો કણ-કણમાંથી આઝાદીના સંઘર્ષની ગાથા સાંભળી શકાત. બારડોલીના સત્યાગ્રહે સાબિત કર્યું કે આત્મવિશ્વાસ આઝાદી પણ અપાવી શકે છે. મહાત્મા ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતોને વ્યવહારૂ સ્વરૂપ સરદાર સાહેબે આપ્યું છે. આ પ્રકારના પરિસંવાદો થકી યુવાધન આઝાદીની લડતને ખરા અર્થમાં સમજી શકશે એમ જણાવી ગુજરાત પ્રેસ અકાદમી અને સુરત પ્રાદેશિક માહિતી કચેરીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રારંભે તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક આર.આર.તડવીએ સ્વાગત પ્રવચન કરી વક્તાઓને આવકાર્યા હતા. આભારવિધિ સહાયક માહિતી નિયામક મહેન્દ્ર વેકરિયાએ આટોપી હતી.

આ પ્રસંગે સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઈ હળપતિ, અગ્રણી પત્રકારો સર્વ તુષાર નાયક, અમિષ ચાવડા, હિતેશ માહ્યાવંશી, કેતન પટેલ, સુરેશભાઈ રાઠોડ, સંદિપ વસાવા, મેહુલ ગોસ્વામી, નિર્મલ પટેલ, રમેશ ખંભાતી, તેજશ વશી, ભાવિક પંચાલ, માહિતી વિભાગના અધિકારી-કર્મચારીઓ, પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

કેવડીયાના સહદેવસિંહ સોલંકી ક્રિકેટ ક્લબ ના સિલેક્ટેડ ક્રિકેટરો ટી.-20 વર્લ્ડ કપ રમેલા ઓમાનના ખેલાડી પાસેથી ક્રિકેટ કોચીંગ મેળવશે.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આજે મૂળ નિવાસી સંધ અને જમીયતે ઉલ્મા એ હિન્દ દ્વારા દેશનાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી ચીનનાં સામાનનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા એ પૈન ઈન્ડિયા ફિલ્મ, ધ લિજેન્ડના તાજેતરમાં રીલીઝ થયેલા ગીત પર બનાવી રીલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!