સુરતના માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટનું શિક્ષણના ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન રહ્યું છે. વનવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વિદ્યાભવનોનું નિર્માણ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ સંસ્થા દ્વારા ડેડીયાપાડાના આંબાવાડી ખાતે કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત આશ્રમશાળા ખાતે આંઠ વર્ગખંડ ધરાવતા વિદ્યાભવનનું નિર્માણ કરાતા તેનો ઉદ્દઘાટન સમારોહ વેલજીભાઈ મોહનભાઇ શેટાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આંબાવાડી આશ્રમ ખાતે માતૃશ્રી રામુબા દેવરાજભાઈ તેજાણી વિદ્યાભાવનના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય દાતા કેશુભાઈ ગોટી, અનિલભાઈ કેવડિયા, સહદાતા અનુભાઈ તેજાણી, જસમતભાઈ વિડીયા, જગદીશભાઈ ઇટાલિયા, કસ્તુરબા સેવાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વમંત્રી ખુમાનસિંહ વાંસિઆ, આશ્રમશાળાના પૂર્વ વિદ્યાર્થી અને પૂર્વમંત્રી મોતીસિંહ વસાવા તથા કર્મયોગી બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં કસ્તુરબા સેવાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસીઆએ મહાત્મા ગાંધીજીના સંસ્થાના ઉદ્દભવ અને તેની પાછળ કસ્તુરબા, સરદાર વલ્લભભાઈ પટેલ અને સંસ્થા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી વનવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય સેવાની ધૂણી ધખાવનાર મિઠુબેન પિટિતના યોગદાનની ઝાંખી કરાવી સંસ્થાનો પરિચય કરાવ્યો હતો. સાથે આઠ વર્ષ બાદ યોજાનાર સંસ્થાના સુવર્ણ મહોત્સવ પહેલા કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આશ્રમશાળાઓને ભારતની એક શ્રેષ્ઠ અને મોડેલ આશ્રમશાળાઓ તરીકે સ્થાપિત કરવા કટિબદ્ધતા બતાવી હતી. વિદ્યાભવનના દાતાઓ અનુભાઈ તેજાણી, જસમતભાઈ વિડીયાએ પણ કસ્તુરબા સેવાશ્રમના કાર્યથી પ્રભાવિત થઈ સરાહના કરી હતી.
ઉલ્લેખનીય છે કે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓ વધુ સારા માહોલમાં સારું શિક્ષણ મળી શકે તે માટે દાતા તરીકે વિદ્યાભવનોનું નિર્માણ કરે છે. અત્યાર સુધીમાં ગુજરાત અને ગુજરાત બહાર સંસ્થાએ 90 જેટલા વિદ્યાભવનના નિર્માણ કર્યા છે. 91 મુ વિદ્યાભવન કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત આંબાવાડી ખાતે નિર્માણ કર્યું હતું. જેના ઉદ્દઘાટન સમારોહમાં સહદાતાઓ અને વિદ્યાભવનોના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર કર્મયોગી બંધુઓના અભિગમને આવકારી કુલ 208 જેટલા વિદ્યાભવનોના નિર્માણનો સંકલ્પ કર્યો હતો. જેમાં સહદાતા અનુભાઈ તેજાણીએ પણ પાંચ વિદ્યાભવનના નિર્માણમાં સહયોગી રહેવાનું જણાવ્યું હતું.
સુરત : કસ્તુરબા સેવાશ્રમ – મરોલી સંચાલિત આંબાવાડી આશ્રમશાળાના નવનિર્મિત વિદ્યા ભવનનો ઉદ્દઘાટન સમારોહ સંપન્ન.
Advertisement