ઉમરપાડા તાલુકાના માંડણપાડા ગામે ખેતરમાંથી ચારો કાપી આવી રહેલી મહિલા વીરા નદીના ઘોડાપૂરમાં ડુબી જતા મોતને ભેટી છે. જ્યારે મહિલાને બચાવવા નદીમાં કૂદી પડેલા ખેડૂતનો જીવ માંડ માંડ બચ્યો છે.
ઉમરપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં વીરા નદીમાં પુર આવ્યા હતા. આ સમયે માંડણપાડા ગામે રહેતી ચારુલીબેન વિરમભાઈ વસાવા ખેતરમાં ચારો કાપવા ગઈ હતી અને ત્યાંથી પરત આવી રહી હતી ત્યારે વીરા નદીમાં ભારે પુર આવ્યુ હોવાથી આ મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી. જેથી મહિલાએ બુમાબુમ કરતા મહિલાને બચાવવા ફુલજીભાઈ દેવનાભાઈ વસાવા ધસમસતા પૂરમાં કૂદી પડ્યો હતો અને મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે વધુ પડતા પૂરને કારણે ફુલજીભાઈ વસાવા પણ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. ત્યારે સ્થાનિક લોકોએ ફુલજીભાઈને બચાવી લીધો હતો અને ૧૦૮ ની મદદથી સારવાર માટે ઝંખવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યારે મહિલા ચારુલીબેનનું ડૂબી જવાથી કરૂણ મોત નિપજયું હતું. ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસ તંત્રને તેમજ સરકારી વહીવટી તંત્રને કરી હતી.
વિનોદ મૈસુરીયા વાંકલ