સુરતઃ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સહિત ચાર મિત્રો વાપીથી સુરત પરત ફરી રહ્યા હતા ત્યારે તા. 12મીએ બોરિયાચ ટોલનાકા પાસે એક સિવિલ ડ્રેસમાં વ્યક્તિએ આ ચારેયની કાર અટકાવી હતી. ગાડીના કાગળિયા માગ્યા. સામા પક્ષે ચારેયને શંકા ગઈ કે આ ખરેખર પોલીસ નથી પણ નકલી પોલીસ છે. જેથી પોલીસ કર્મચારી પાસે ઓળખપત્ર માગ્યું. બસ આટલી ભૂલ ચારેયને નડી. પોલીસે નગ્ન કરી ઢોર માર માર્યો. ચારેયને જ્યારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યા ત્યારે ઇજા જોઈને મહિલા જજે પૂછ્યું આ ઇજા કેવી રીતે થઈ ? જેના પ્રત્યુત્તરમાં ચારેય યુવાનોએ પોલીસની હેવાનિયતની કેફિયત આપી હતી. જજે ચારેયની અલગ અલગ ફરિયાદ નોંધી હતી. અને સારવાર માટે સિવિલ હોસ્પિટલે મોકલ્યા હતા.
પોલીસનો નફ્ફટાઈભર્યો બચાવ- યુવકો પીધેલા હતા અને તેમણે જાતે જ કપડાં કાઢી નાખ્યાં
નવસારીમાંથી પસાર થતા ને.હા. નં. 48 ઉપર બોરિયાચ ટોલનાકા પાસેથી પસાર થતી વખતે પોલીસ જવાન સાથે માથાકૂટ કરી ઈજા પહોંચાડનારા સુરતના ચાર યુવાનો સામે ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં ચાર આરોપીઓ પૈકી ત્રણને પોલીસ કસ્ટડીમાં નગ્ન હાલતમાં રખાયાનો વીડિયો બહાર આવતા ચકચાર મચી છે. જોકે પોલીસે આ વીડિયો અંગે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હોવાની વિગત સાંપડી છે.
નેશનલ હાઈવે નં. 48 ઉપર બોરીયાચ ટોલનાકા પર ફરજ બજાવી રહેલા કોન્સ્ટેબલ રાજુભાઈ પ્રોહિબિશન વોચ કરી રહ્યા હતા. એ દરમિયાન એક કાર (નં. જીજે-5-આરબી-9975)ના ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઈકની લાઈનમાં કાર ઊભી રાખી દીધી હતી. જેથી ફરજ ઉપર હાજર કોન્સ્ટેબલ રાજુભાઈએ કાર પાસે પહોંચી કાર આગળ લઈ જવાનું જણાવ્યું હતું અને કાર અથડાઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરી કારી લાઈનમાં જ કાર રાખવા તાકીદ કરી હતી. એ વખતે કારમાં બેઠેલા કારચાલકે ઉશ્કેરાઈ જઈ તુ કોણ છે ? તેવુ પૂછતાં રાજુભાઈએ પોલીસ હોવાની પોતાની ઓળખ આપી હતી. એ વખતે કારની પાછળ બેઠેલા એક યુવાને ગાળાગાળી કરી કોન્સ્ટેબલને મારમારી મોંઢાના ભાગે ઝાપટ મારી ઈજા પહોંચાડી હતી.