દિવ્યાંગ બાળકોનાં સશક્તિકરણ માટે અને વિકાસની મુખ્યધારામાં તેમની સહભાગિતાને સુનિશ્ચિત કરવા માટે વિવિધ કાયદાઓમાં વિવિધ જોગવાઈઓ ઉપલબ્ધ છે. ત્યારે દિવ્યાંગ બાળકોને સમાન તકો મળે, તેમની સહભાગિતા વધે અને બીજી તરફ તમામ પ્રકારનાં ભેદભાવનાં વલણનો છેદ ઉડે તથા તેઓ પણ સામાન્ય બાળકોની જેમ શિક્ષણનાં મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ પોતાનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી શકે તેવાં શુભ હેતુસર ઓલપાડ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટે ઓનલાઇન આરતી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલુકાનાં વિશિષ્ટ જરૂરિયાત ધરાવતાં બાળકોને અભ્યાસ કરાવતાં વિશિષ્ટ શિક્ષકો એવાં નીતા પટેલ અને જીજ્ઞા પટેલ તેમજ સ્પેશિયલ એજ્યુકેટર બળવંત પટેલ અને મિલન પટેલ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં માનસિક ક્ષતિ ધરાવતાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. આ બાળકો પોતાની કાબેલિયત પ્રમાણે આરતી શણગાર કરીને રોમાંચિત થયા હતાં.
સ્પર્ધામાં પ્રથમ ક્રમે નીલમ પટેલ(મોર), દ્વિતીય ક્રમે કરન પટેલ(અંભેટા) જ્યારે તૃતિય ક્રમે હેની પટેલ(અંભેટા) વિજેતા ઘોષિત થયા હતાં. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને આ વિશિષ્ટ શિક્ષકો તરફથી પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યાં હતાં. તમામ સ્પર્ધકો તેમજ આયોજકોને કિરીટભાઇ પટેલ, અરવિંદભાઈ ચૌધરી, બળદેવભાઈ પટેલ, મહેન્દ્રસિંહ ઠાકોર તથા તમામ સી.આર.સી.કૉ-ઓર્ડિનેટર મિત્રો તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ