સુરતમાં વાહનચાલકો બેફામ બન્યા છે. આયે દિન અહી અકસ્માતો થતા રહે છે. આવામા શહેરના ટ્રક ચાલક ફરી યમરાજ બન્યા છે. ટ્રકની અડફેટે આવેલી એક મહિલા ટીઆરબી જવાનનું મોત નિપજ્યુ છે. મૃત્યુ પામેલી મહિલા જવાનનું નામ પ્રીતિ ચૌધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, વરિયાવ પોલીસ ચોકી પાસે આ બનાવ બન્યો
હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે વરિયાવ પોલીસ ચોકી પાસે પ્રીતિબેન ચૌધરી નામના ટીઆરબી જવાન પોતાના એક્ટિવા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રેલરત્યા આવી ચઢ્યુ હતુ અને પ્રીતિબેનની એક્ટિવાને અડફેટે લીધી હતી. ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે, પ્રીતિબેનનું મોત નિપજ્યુ હતુ. તેઓ ફરજ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. મહિલા TRBના માથા પરથી ટ્રેલર ફરી વળતા માથું કચડાઈ ગયું હતું.
અકસ્માતમાં કાળનો કોળિયો બનનાર ટીઆરબી જવાન પ્રીતિબેન ચૌધરી બે વર્ષ પહેલા જ ફરજમાં જોડાયા હતા. તેમના પિતાનું સાત વર્ષ પહેલા અકસ્માતમાં જ મોત થયુ હતું. સંજોગોવશ દીકરી પણ અકસ્માતમાં જ મૃત્યુ પામી. પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી પ્રીતિએ ઉપાડી હતી. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા બાદ ટીઆરબીમાં જોડાયા હતા. પ્રીતિના મોતથી નાની બહેન અને માનસિક બીમાર માતા નોંધારા બન્યા છે. પરિવારનો મુખ્ય આધાર છીનવાઈ ગયો છે.