ગુજરાત સરકારે ધોરણ 9 થી 12 નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ છે. પરંત હજુ સુધી ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે સુરતની ગજેરાના સ્કૂલના સંચાલકો સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે. સરકારની પરમિશન વગર જ ગજેરા સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ-6 થી 8 નાં વર્ગોને શરૂ કરવાની હજુ મંજૂરી આપી નથી, તેમ છતા સુરત શહેરમાં શાળાને ખોલવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, મંજૂર ન હોવા છતા વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી રહ્યા છે.
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા કરીને તેમને શાળાએ બોલાવવામાં આવ્યા છે. ગજેરા સ્કૂલની મનમાની વિશે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ભાજપના નેતાઓને તમામ પ્રકારની છૂટ અપાઈ છે. સરકારની નીતિ, નિયત અને દુરંદેશીની ખોટ છે. સરકારની બેવડી નીતિ છે. તો સાથે જ ફીના રાહત મુદ્દે તેમણે કહ્યું કે, મહામારીના સમયમાં પ્રજાને રાહત આપવી જોઈએ. સંચાલકોની વકીલાત કરવાવાળી આ સરકાર વાલીઓને માત્ર રાહતની વાતો કરે છે. ફીના નામે ખુલી લૂંટ ચાલી રહી છે. અમે માંગ કરીએ છીએ કે સ્કૂલ ફી મુદ્દે રાહત આપવી જોઈએ.
આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં રાજ્ય સરકારનાં નિયમોની અવગણના ખુલેઆમ કરવામા આવી રહી છે. શહેરનાં કતારગામમાં આવેલી ગજેરા સ્કૂલનાં સંચાલકોએ સરકારની મંજૂરી મળી ન હોવા છતા ધોરણ 6 થી 8 નાં વર્ગો શરૂ કરી દીધા છે. મળી રહેલી માહિતી અનુસાર, ગજેરા સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સ વિના વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે સુરત DEO વિભાગની લાલીયાવાડી સામે આવી રહી છે.
જણાવી દઇએ કે, સુરત શહેરની ગજેરા સ્કૂલ મંજૂરી વિના શરૂ કરવી શાળા સંચાલકોને ભારે પડી છે. મળતી માહિતી અનુસાર, જિલ્લાશિક્ષાધિકારીએ આ અંગે હવે તપાસનાં આદેશ આપી દીધા છે. જે માટે 4 નિરિક્ષકોને શાળામાં તપાસ અર્થે મોકલ્યા હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. આ મામલે જો સંચાલકોની બુલ હશે તો સંચાલકોની વિરુદ્ધ પગલા લેવાની વાત પણ સામે આવી રહી છે. આ મામલે રિપોર્ટ સામે આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે જ્યારે રાજ્ય સરકાર કોરોનાવાયરસ મહામારીને ધ્યાનમાં રાખી સમજી વિચારીને પગલા લઇ રહી છે, ત્યારે મંજૂરી વિના શાળા ખોલવામાં આવે તે કેટલુ યોગ્ય છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હજુ ગઇ કાલે એટલે કે મંગળવારનાં રોજ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગે જાહેર કાર્યક્રમમાં ધોરણ 6 થી 8 ની શાળા શરૂ કરવાને લઇને સરકાર વિચારણા કરી રહી છે તે પોતાના નિવેદનમાં કહ્યુ છે. મંગળવારે શિક્ષણમંત્રીનાં નિવેદન બાદ આજે સુરતમાં શાળાને શરૂ કરવામાં આવી તે રાજ્ય સરકારનાં નિયમોની અવગણના બરાબર છે.