સુરત નવી સિવિલ હોસ્પિટલમાં HIV પીડિતની પત્નીને મોબાઈલ તથા રોકડા 2000 રૂપિયા આપવાની લાલચ આપી હોસ્પિટલના સર્વન્ટે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સર્વન્ટ દ્વારા હોસ્પિટલના ત્રીજા માળે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ અંગે પીડિતા ફરિયાદ લઇ સર્વન્ટ ઓફિસમાં ગઈ હતી. જો કે, ત્યાંથી તેને કાઢી મુકવામાં આવી હતી. ત્યારબાદ પીડિતા ખટોદરા પોલીસ મથકમાં પણ ગઈ હતી પરંતુ ત્યાં પણ તેની ફરિયાદ લેવામાં ન આવતા પીડિતા હાલ હોસ્પિટલમાં ધક્કા ખાઈ રહી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા એક યુવાનને HIV તથા TB હોવાથી તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાન છેલ્લા ચાર વર્ષથી HIV ગ્રસ્ત છે. હોસ્પિટલમાં યુવાનની સાથે તેની પત્ની પણ રહેતી હતી. દરમિયાન મહિલાનો મોબાઇલ હોસ્પિટલમાંથી ચોરાઈ ગયો હતો. આ વાતની જાણ હોસ્પિટલના સર્વન્ટને થઈ હતી.
દરમિયાન હોસ્પિટલનો સર્વન્ટ છેલ્લા એક સપ્તાહથી તેની પાછળ પડી ગયો હતો અને બાદમાં તેને મોબાઇલ અને રૂપિયા બે હજાર રોકડા આપવાની પણ લાલચ આપી હતી. આ લાલચનો ફાયદો ઉઠાવી સર્વન્ટે મહિલાને સિવિલના ત્રીજા માળે રાત્રી દરમિયાન લઇ ગયો હતો અને ત્યાં દાદર નીચે તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ ઘટના બાદ બીજા દિવસે સર્વન્ટ ગુમ દેખાતા પીડિતાએ તેની શોધખોળ કરી હતી.
જો તે, ત્યાં સર્વન્ટ નહી મળતા ફરી તે સર્વન્ટ ઓફિસમાં પહોંચી હતી. જો કે, ત્યાં તેને કાઢી મુકવામાં આવતા મહિલા સિવિલ ચોકી પર પહોંચી હતી. જ્યાં પણ હાજર પોલીસ કર્મીએ ફરિયાદ નોંધવાને બદલે તેને ખટોદરા પોલીસ મથકે જવા કહ્યું હતું. જો કે, મહિલા પાસે પોલીસ મથકે જવાના પૈસા ન હતા. તેથી પોલીસ કર્મીએ રીક્ષા કરાવી આપી તેને પોલીસ મથકે મોકલી હતી. પોલીસ મથકે પણ મહિલાની ફરિયાદ ન લેતા તે હાલ સિવિલ હોસ્પિટલમાં સર્વન્ટને શોધવા ધક્કા ખાઈ રહી છે.