હાલમાં સમગ્ર દેશમાં કરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. જોકે બીજી તરફ સુરત શહેરમાં માત્ર 9 માસની બાળકીમાં કોરોના જોવા મળતા આરોગ્ય વિભાગ તંત્ર દોડતું થયું છે. બાળકીને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી તથા તાવ હોવાને કારણે માતા-પિતા તેને નવી સિવિલ હોસ્પિટલ માં લઈને આવી હતી. જ્યારે રેપિડ ટેસ્ટ કરાવતા બાળકીને કોરોના હોવાનું સામે આવતા તંત્ર ચોંકી ઉઠયું હતું.
હાલમાં કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા ઘટી રહી છે. જોકે ક્યાંકને ક્યાંક તબીબો દ્વારા ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે સુરત શહેરના પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં એક પરિવારની 9 માસની બાળકીને છેલ્લા ત્રણ દિવસથી ઝાડા-ઊલટી અને તાવ આવતો હતો. જેને કારણે તેના માતા-પિતા આ બાળકીને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તબીબ દ્વારા આ બાળકીનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
બાળકીને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી છે. જોકે બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા આસપાસના તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સાથોસાથ જે રીતે નવ માસની બાળકીમાં કેસ સામે આવતા આરોગ્ય તંત્ર ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. હાલમાં જે રીતે વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે, જેને કારણે ઝાડા-ઉલટી અને તાવના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. જેને કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પિટલના તબીબોને સૂચના આપી દેવામાં આવી છે કે જો જરૂર જણાય તો સુરતના બાળકોનો રેપિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.