ભારત સરકારનાં પેટ્રોલિયમ અને નેચરલ ગેસ વિભાગ દ્વારા દર વર્ષે શાળાનાં બાળકો માટે ઇંધણ સંરક્ષણ અને પર્યાવરણીય સંરક્ષણનાં મહત્વ પર જાગૃતિ લાવવા અર્થે ‘સક્ષમ’ રાષ્ટ્રીય સ્પર્ધા અંતર્ગત ચિત્રકામ, નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધા આયોજીત કરવામાં આવે છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ પેટ્રોલિયમ ઉત્પાદનનાં સંરક્ષણ, તેલની આયાતમાં ઘટાડો, ઉર્જા સંરક્ષણનું મહત્વ-નવીનીકરણ અને ઉર્જા સંરક્ષણ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ છે.
આ સંદર્ભે ચાલુ વર્ષે પણ ધોરણ-7 થી 10 માં અભ્યાસ કરતાં શાળાનાં બાળકો માટે આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. “એક કદમ હરિત અને સ્વચ્છ ઉર્જા તરફ” વિષય પર યોજાયેલ આ સ્પર્ધાઓમાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં ધોરણ-8 માં અભ્યાસ કરતાં પાર્થ વસાવા અને સાફિયા પઠાણે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો જ્યારે રીમા સાવ અને માનસી રાવળીયાએ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ચારેય બાળકોની ઓનલાઇન એન્ટ્રી ‘સ્કૂલ બેસ્ટ લેવલ એન્ટ્રી’ માં પસંદગી પામી હતી. જે પૈકી ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માનસી વિજયભાઈ રાવળીયા લિખિત નિબંધ રાજ્યકક્ષાએ પસંદગી પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નિબંધ સ્પર્ધામાં ભારતભરમાંથી દરેક રાજ્યનાં હજારો વિદ્યાર્થીઓ પોતપોતાની માતૃભાષામાં નિબંધ લખી ભાગ લેતાં હોય છે. દરેક રાજ્યમાંથી 50 વિદ્યાર્થીઓની કૃતિ પસંદ કરવામાં આવે છે અને રાજ્યકક્ષાએ પસંદગી પામેલ કૃતિને પુરસ્કૃત કરવામાં આવે છે. આ 50 કૃતિમાંથી માત્રને માત્ર પાંચ જ કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ શકે છે. આનંદ અને ગૌરવની વાત છે કે આ પાંચ કૃતિઓમાં આ શાળાની ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માનસી વિજયભાઈ રાવળીયાની કૃતિ પસંદગી પામી હતી. જે હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
ઓલપાડ તાલુકાનું ગૌરવ એવી અસ્નાબાદ પ્રાથમિક શાળાની આ વિદ્યાર્થીનીને જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણ સમુદાયનાં માર્ગદર્શક કિરીટભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક સંઘનાં પ્રમુખ બળદેવભાઇ પટેલ તથા ઓલપાડનાં સી.આર.સી.કૉ-ઓર્ડિનેટર મહેશભાઇ પટેલે શુભેચ્છાસહ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતાં. તેણીની આ ગૌરવવંતી સિદ્ધિ બદલ શાળાનાં આચાર્ય અમિત પટેલ, માર્ગદર્શક શિક્ષિકા કલ્પના પટેલ તથા સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ ઉપરાંત અસ્નાબાદ ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ