કોરોનાના કહેરને કારણે વિદ્યાર્થીઓ 500 દિવસ કરતાં વધારે સમયથી ઓફલાઈન શિક્ષણ મેળવી શક્યા ન હતાં. કોરોના સંકટને કારણે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી રહી હતી. ધીરે ધીરે બધું અનલોક થતાં હવે શાળાઓ પણ શરૂ થવા જઈ રહી છે. જેને લઇને સંચાલકો અને વાલીઓને હાશકારો થયો છે. લાંબા સમયથી શાળાઓ બંધ હોવાના કારણે અનેક મુશ્કેલીઓ શાળા સંચાલકોએ પણ ભોગવી છે અને વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક રીતે ઘણું નુકસાન થયું છે. સુરત સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકારના આ નિર્ણયને સહર્ષ સ્વીકાર્યો છે. શાળા સંચાલકો દ્વારા છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી હતી કે, સ્વિમિંગ પૂલ, થિયેટરો, હોટેલ શરૂ થતું હોય તો શાળા કેમ શરૂ કરવામાં આવી નથી. અંતે હાલની સમગ્ર સ્થિતિનો તાગ મેળવતા સ્વનિર્ભર શાળા સંચાલકોએ સરકાર મંજૂરી ન આપે તો પણ શરૂ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ સરકાર અને સ્વનિર્ભર શાળા સંચાલકો વચ્ચે આ બાબતે કોઈ મોટો જેવા થાય તે પહેલા જ સરકારી શાળા શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ વેક્સિનનો ડોઝ લઈ લે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. શિક્ષકો બન્ને ડોઝ લઈ લીધા હોય તે વધારે હિતાવહ છે. વિદ્યાર્થીઓને 50% હાજરીમાં બોલાવવામાં આવશે. શાળામાં પ્રવેશ લેવા માટે વાલીઓનું સંમતિપત્ર ફરજિયાત પણે શાળાને આપવાનું રહેશે. વિદ્યાર્થીઓ માસ્ક પણ ફરજિયાત કરવાના રહેશે. તેમજ અન્ય તમામ બાબતોનું ચીવટ પૂર્વક ધ્યાન રાખવા માટેની તૈયારી સ્વનિર્ભર શાળાઓ એ કરી લીધી છે. આખરે શાળા સંચાલકો અને વાલીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. બાળકોને ઓફલાઈન શિક્ષણ આપવાનો અમારો પ્રયાસ હતો અને હવે તે સારી રીતે થઇ શકશે. સતત સ્કૂલો બંધ હોવાનાના કારણે બાળકોના અભ્યાસ, માનસિક અને શારીરિક રીતે માઠી અસર થઈ છે. વાલીઓને સંમતિ પત્ર સાથે આવવા માટે જાણ કરવામાં આવી છે.