સુરત શહેરમાં અને છેવાડાના લસકાણા ગામ સુધી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. લસકાણા-કામરેજ વચ્ચેના મુખ્ય રોડ પર લાંબી કતારમાં પશુઓ રસ્તા ઉપર બેઠેલા હોય છે, તથા ક્રોસ કરતા જોવા મળે છે. જેના કારણે માર્ગ ઉપર અકસ્માતના ભય હેઠળ વાહનચાલકોને વાહન ચલાવવાની ફરજ પડે છે.
પાસોદરા શ્યામ નગર, મેલડી માતાના મંદિર નજીક સવારે નવ વાગ્યા બાદ રસ્તા ઉપર ઢોર રખડતા જોવા મળે છે. પાસોદરા તરફ જવાના રસ્તે પણ આ જ પ્રકારની સ્થિતિ ઉભી થઇ રહી છે. સ્થાનિક લોકો દ્વારા સંબંધિત વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં પણ તેનો ઉકેલ આવ્યો નથી.સુરતથી પાસોદરા-લસકાણા તરફ જવાના બીઆરટીએસ રૂટ ઉપર પણ આ રખડતા ઢોરને કારણે મુશ્કેલી સર્જાઇ રહી છે. ઢોર મહદંશે રસ્તા ઉપર જ બેસી જતા હોય છે.
જેથી વાહનચાલકો પોતાની ગતિ પ્રમાણે તે વિસ્તારમાંથી પસાર પણ થઈ શકતા નથી. રસ્તા ઉપર એક બે નહીં પરંતુ 20 થી વધુની સંખ્યામાં ઢોરના ટોળાં એક સાથે રસ્તા ઉપર બેઠેલા જોવા મળે છે. વાહનચાલકો સતત હોર્ન વગાડતા રહે છે, પરંતુ ઢોર પોતાનું સ્થાન છોડતા નથી અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ ખુબ વધી જતી હોય છે.ઘણી વખતે તો વાહન ચાલકો અને પશુ વચ્ચે થતા અકસ્માતના કારણે ઢોરના માલિકો અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ પણ થતાં રહે છે. લસકાણા પાસોદરા વિસ્તારમાં પશુ રાખનારા ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે.
તેથી રખડતા ઢોરનો ઉપદ્રવ પણ આ વિસ્તારમાં વધારે જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જ્યારે વિરોધ કરવા જાય છે, ત્યારે પશુ રાખનારા સાથે તેમને ઉગ્ર બોલાચાલી પણ થઈ જતી હોય છે. પરિણામે સમયાંતરે વાદવિવાદ ઉભા થતા રહે છે. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યા બાદ પણ ઢોર પાર્ટી દ્વારા આ વિસ્તારમાંથી ઢોરનો જે ત્રાસ છે તેનો ઉકેલ લાવવમાં મુશ્કેલી થઈ રહી છે.