ઉમરપાડા તાલુકા મથક ખાતે કાર્યરત સરકારી વિનિયન કોલેજમાં અભ્યાસ કરતા 24 જેટલા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસરે ભેદભાવ કિન્નાખોરી રાખી ઝીરો માર્કસ આપી ફેલ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોલેજના પ્રિન્સિપાલને એક આવેદનપત્ર સુપ્રત કરી દિન ૭ માં વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરી છે અને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ઉમરપાડામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજમાં આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર યોગેશભાઈ ચાસડીયા દ્વારા વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ રાખી 13 વિદ્યાર્થીને સમાજશાસ્ત્ર મુખ્ય અને સમાજશાસ્ત્ર ગૌણમાં 11 વિદ્યાર્થીને આમ કુલ 24 વિદ્યાર્થીઓને કિન્નાખોરી રાખી 0 માર્ક આપ્યા છે. યુનિવર્સિટીના નિયમાનુસાર 4 માર્ક હાજરીના અને 7 માર્ક એસાઈમેન્ટના મળી કુલ 11માર્ક થાય છતાં 0 માર્ક્સ આપી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે.
આંતરિક મૂલ્યાંકનમાં જો વિદ્યાર્થી નાપાસ થાય તો એમણે ફરી આંતરિક કસોટી આપવી પડે છે. પ્રો યોગેશભાઈનું વર્તન વિદ્યાર્થીઓ અને સહપ્રોફેસરો જોડે અણછાજતું છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન લેક્ચર ભરતા હોવા છતાં પણ તેમને ફેલ જાહેર કર્યા છે. આ ઘટનાને વિદ્યાર્થી પરિષદ સખત શબ્દોમાં વવખોડે છે. ફેલ થયેલ દરેક વિદ્યાર્થીઓના નામ અને નંબર A.B.V.P પાસે છે.દરેક વિદ્યાર્થીઓને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ. ન્યાય જો દિન 7 માં નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી નગર મંત્રી કલ્પેશ સેન દ્વારા આપવામાં આવી હતી.
વિનોદ મૈસુરિયા : વાંકલ