કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે સાથે લોકોમાં વેક્સિનેશન માટે જાગૃતિ આવી રહી છે. જોકે, સુરત અને આસપાસના કામરેજ સહિતના વિસ્તારોમાં વેક્સિનના ડોઝ ઓછા અપાતા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો વેક્સિન માટે વહેલી પરોઢથી લાઈનો લગાવે છે. પરંતુ વેક્સિનના ઓછા ડોઝ આવતાં હોવાથી લોકોને વીલા મોઢે વેક્સિન મૂકાવ્યા વગર જ પરત ફરવાની નોબત આવવાનું યથાવત રહ્યું છે.
કામરેજ તાલુકાના વેક્સિન સેન્ટર ઉપર લોકો લાંબી કતારોમાં ઉભા રહે છે. પાસોદરાની સોમેશ્વર સોસાયટીની પાસે વેક્સિનેશન સેન્ટર ઉપર લોકો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહી જતા હોય છે. ઓલપાડ અને કામરેજ તાલુકામાં આ પ્રકારની સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. વેક્સિનેશન સેન્ટર ઉપર પહોંચ્યા બાદ પણ વેક્સિન મળતી નથી. વેક્સિનેશન કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે.
કલાકો સુધી ઊભા રહેવા છતાં પણ વેક્સિન મળતી નથી. ઘણી વખત ટોકન લેતી વખતે એટલો ધસારો જોવા મળે છે કે, જે લોકો પહેલા આવ્યા હોય છે, તેમને વેક્સિન નથી મળતી અને તેમના બાદ આવેલા લોકોને મળી જાય છે. ટોકન આપવાની પણ યોગ્ય વ્યવસ્થા નથી. જેના તેના કારણે લોકો વેક્સિન લીધા વગર પરત ફરતા હોય છે.