સૂર્ય ભગવાનની આંખ માંથી જન્મેલી, દક્ષિણ ગુજરાત ની જીવાદોરી સમાન, સુરત માં વહેતી માં તાપી નદી ના જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી .
‘તાપી’ વિશ્વ ની એકમાત્ર નદી છે જેનો જન્મદિવસ ઉજવાઈ છે.સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સૂર્યપુત્રી તાપીનો ગુરૂવારે અષાઢ સુદ સાતમે જન્મ દિવસ હોવાથી તેની સુરતીઓ ભવ્ય ઉજવણી કરશે. આ પ્રસંગે વિવિધ સમાજ અને સંગઠનો દ્વારા તાપી મૈયાની પૂજા-અર્ચના તથા સફાઈ કરવામાં આવશે. સામાન્ય રીતે તાપી નદીને તાપ્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તાપી નામ અતિપ્રાચીન અને પૌરાણિક છે. મધ્ય ભારતની નદીઓમાં તાપીનું પણ મહત્ત્વનું સ્થાન છે. તાપી નદી અંદાજે 724 કિલોમીટર લાંબી છે. તાપી મૈયાનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્ત્વ છે. તાપી સૂર્યદેવની પુત્રી તરીકે પણ પ્રચલિત છે.તાપીનું ઉદ્દગમ સ્થાન મધ્ય પ્રદેશના મુલતાઇ જિલ્લા નજીક સાતપુડાની પર્વતમાળામાં છે. મુલતાઇ જેને મૂલતાપી તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંસ્કૃતમાં મુલતાઇનો અર્થ મૂલતાપી તરીકે વર્ણવામાં આવ્યો છે. વર્ષો પહેલા તાપી નદી કિનારેથી મુસ્લિમ બિરાદરો મક્કા મદીના ખાતે હજ પઢવા માટે રવાના થતા હતાં. આજે તાપી જયંતી નિમિત્તે શહેરના વિવિધ ઓવારાઓ પરથી તાપી માતાની પૂજા અર્ચના કરવામાં આવશે જેની સાથે તાપી મૈયાને ચૂંદડી પણ ઓઢાડવામાં આવશે.
સાંજે વિવિધ ઓવારાઓ ખાતે પણ તાપી મૈયાને દૂધ-ફૂલ ને નારિયેળ ચઢાવવા માટે ભક્તોની ભીડ જામશે.અત્રે ઉલ્લેખનીય છે કે આજથી 100 વર્ષ પહેલા એટલે કે 1915માં થાઈલેન્ડના રાજા વજીરાવૃધએ સુરતની મુલાકાત લીધી હતી અને ત્યારના સુરતથી પ્રભાવિત થઈ થાઈલેન્ડના રાજાએ થાઇલેન્ડના ચૈયા શહેરને સુરત-થાની (સારા લોકોનું) શહેર નામ આપ્યું હતું. તેમજ ત્યાંની નદીને પણ તાપી નામ આપ્યું હતું. જો થાઇલેન્ડની તાપી નદીના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરીને આવ્યા બાદ આપણાં મૂળ સુરતી નેતાઓ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપીમૈયાને શુદ્ધ કરવાનું અભિયાન સાચા અર્થમાં શરૂ કરે તોય તાપી મૈયાની મોટી સેવા કરી ગણાશે.
આ શહેર અને નદીના નામકરણના શતાબ્દી મહોત્સવ અંતર્ગત થાઇલેન્ડથી સુરતીઓને આમંત્રણ મળતાં સુરત મહાનગર પાલિકાના 100થી વધુ અગ્રણીઓનું એક ડેલિગેશન થાઇલેન્ડ જવા ઊપડી ગયું છે. જોકે સુરતની મૂળ તાપીની દશા અને દિશા જોતાં એ અગ્રણીઓએ ખરેખર તો તાપી શુદ્ધિકરણ અને તાપી નદીમાં ઠલવાતી ગંદકીને દૂર કરવાનું કાર્ય પ્રથમ કરવાની આવશ્યકતા છે.