સુરત શહેરમાં ઉનપાટિયા વિસ્તારની એક મહિલા પતિના મૃત્યુ બાદ વતન લઈ જવાના પૈસા ન હોવાથી 17 કલાક સુધી મૃતદેહ પાસે બેસીને મદદની પુકારના ફોન ડાયલ કરતી રહી હતી. પત્ની પતિના મૃતદેહને આજે સવારે સિવિલ લઈ આવતા તબીબો પીડિત મહિલાની વ્યથા સાંભળી ચોંકી ગયા હતા.
જોકે, મૃત્યુનું કોઈ કારણ ન હોવાથી તબીબોએ પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાકાળમાં અનેક પરિવારોએ સંબંધીઓને ગુમાવ્યા છે. આ સાથે લોકોની આર્થિક સ્થિતિ પણ કથળી ગઈ છે. મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્ની મનીષા ઠાકોર મૃતક રણજિત અટાસિંગ ઠાકોરની પત્નીએ જણાવ્યું હતું કે તેઓ ઉન પાટિયાના મહેબૂબ નગરમાં રહે છે. 13 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનની માતા છે.
મૂળ ઝાંસીના રહેવાસી છે. રણજીત સંચા ખાતામાં કામ કરતો હતો અને દારૂ પીવાનો આદી હતો. ગઈકાલે (મંગળવારે) દારૂ પીધા બાદ બપોરના ભોજન લઈ સૂઈ ગયો હતો. એક કલાક બાદ એના મિત્રએ રણજિતને જગાડવાની કોશિશ કર્યા બાદ પણ એ જાગ્યો ન હતો. જેથી તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવતા મૃત્યુ પામ્યો હોવાની ખબર પડી હતી. આ બાબતે તાત્કાલિક વતન સગા સંબંધીઓને ફોન કરી જાણ કરી હતી. જોકે બધાએ મૃતદેહ વતન ઝાંસી લઈ આવવા સલાહ આપી હતી. જેને લઈ મોડી સાંજ થઈ જતા આખો દિવસ પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી.
સવાર પડતા જ પડોશીઓએ 108 ને જાણ કરતા રણજિતને 108 ની મદદથી સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરવું પડશે એમ કહી પોલીસને જાણ કરી છે. સાહેબ ઝાંસી લઈ જવા માટે ઘણા રૂપિયા જોઈએ અને હું આર્થિક રીતે લાચાર છું, મોંઘવારીમાં પતિની હયાતીમાં ઘર અને બાળકોનું ગુજરાન જેમ તેમ ચાલતું હતું, હવે એની ગેરહાજરીમાં આટલા રૂપિયા ક્યાથી લાવું.