સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં નાનકડા ભાંડુત ગામ ખાતે ગામનાં સરપંચ હેમંતભાઇ, આગેવાન અજીત પટેલ, ગ્રામ પંચાયતનાં સદસ્યો, ગામનાં જાગૃત અને જવાબદાર નાગરિકો, પ્રાથમિક શાળા કોબાનાં આચાર્ય ધર્મેશ મગનભાઈ પટેલ તેમજ તેમની રન એન્ડ રાઇડર ગૃપની ટીમ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. ગામનું પાદર ગામની આબરૂ કહેવાય છે. અત્રે ગામનાં પ્રવેશદ્વારે રળિયામણું તળાવ છે, જેનાં કિનારે વટવૃક્ષોની છાયા સુલભ છે. આમ છતાં પણ આવનારી પેઢીને ભવિષ્યમાં સમગ્ર કિનારા પર આવા જ ઘટાદાર છાયા આપતાં ઔષધીય અને ફળાઉ ઉપલબ્ધ બની રહે તેમજ પશુ-પંખીઓને પણ પૂરતો ખોરાક મળી રહે એવાં શુભ હેતુસર લીમડા, આસોપાલવ, સરગવા, જાંબુ, નાળિયેરી, પીપળો, વડ જેવાં વૃક્ષોનાં ૧૫૧ જેટલાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું. સાથોસાથ ગામનાં તળાવમાં કમળનાં ફૂલોનું જતન તેમજ મત્સ્ય સંવર્ધન પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવેલ છે જે નોંધનીય બાબત છે.
વર્તમાન કોરોના કાળમાં સૌને સ્વચ્છ પર્યાવરણ અને ઓક્સિજન વાયુની જરૂરિયાતની મહત્તા સમજાઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખી ધર્મેશ પટેલે પોતાનાં જન્મદિને વૃક્ષારોપણરૂપી યજ્ઞકાર્ય હાથધરી ગામ, સમાજ અને યુવાવર્ગને એક નવી દિશા બતાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ સફળતાપૂર્વક હાથ ધર્યો હતો. સાથે જ તેમણે પાશ્ચાત્ય સંસ્કૃતિથી વિપરીત જઈ કેકને બદલે સુખડી અને ગોળ-ધાણાની લ્હાણી કરી સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હતી. આ પ્રસંગે તેમનાં રન એન્ડ રાઇડર ગૃપનાં સંઘ પ્રદેશ દમણનાં રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વિરેન્દ્ર પટેલ, પરસોત્તમભાઈ, અશ્વિન ટંડેલ, ગિરીશ પટેલ, રિતેષ દરજી, ભાવેશ ટંડેલ( તમામ શિક્ષક તરીકે કાર્યરત), કમલ ટંડેલ (સીમેન) જેવાં સભ્ય મિત્રોએ ખાસ હાજરી આપીને આ નાવિન્યસભર જન્મદિન અને તેનાં અનુસંધાને યોજાયેલ સમગ્ર વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.
અંતમાં સૌએ સંદેશો પાઠવ્યો હતો કે પ્રત્યેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજી પર્યાવરણનું જતન કરે તો સાચા અર્થમાં આપણે આપણા ગામ, દેશ સહિત સમસ્ત વસુંધરાને હરિયાળી રાખવાનો સંકલ્પ જરૂર સાકાર કરી શકીશું.
વિનોદ મૈસુરિયા : વાંકલ