ઉમરપાડા તાલુકાના ચવડા માલધા ફાટા મુખ્ય માર્ગ પર ઉમરગોટ ગામે સુમુલ ડેરીનું દૂધ વહન કરતા ટેન્કરના ચાલકને રાત્રી દરમિયાન ઊંઘનું ઝોકુ આવી જતા ટેન્કર પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ઘટના સ્થળે ક્લીનરનું કરૂણ મોત નિપજયું હતું.
સિદ્ધિ લોજિસ્ટિક એજન્સીના માલિક મુકેશભાઈ પ્રેમચંદભાઈ લાલવાણી અને પાર્ટનર ધર્મેશભાઈ ભાણાભાઈ પટેલની સંયુક્ત એજન્સીના ૪૨ જેટલા ટેન્કરો દ્વારા સુમુલ ડેરીમાં ગામડાઓમાંથી દૂધ લાવવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થઇ રહ્યું છે. ઉપરોક્ત એજન્સીનું ટેન્કર નંબર G.J.5.B.X.9573 ચાલક કૃષ્ણદેવ રામકરણ શુક્લા અને કિલીનર સંદીપ જીવનલાલ આદિવાસી બંને નાંદોલા, વડપાડા, ઘાણાવડ, ચવડા સહિત વિવિધ ગામોમાં દૂધ ડેરીઓ પરથી ટેન્કરમાં દૂધ ભરી રાત્રીના સાડા ત્રણવાગ્યે ઉમરગોટ ગામે આવ્યા હતા. ત્યારે ડ્રાઇવર કૃષ્ણદેવ રામ કરણ શુક્લાને અચાનક ઊંઘનું ઝોકું આવી જતાં તેણે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ટેન્કર ઝાડ સાથે ભટકાઇ પલ્ટી મારી ગયું હતું. અકસ્માતમાં ક્લીનર સંદીપ જીવનલાલનુ માથાના ભાગે ઇજા થવાથી કરૂણ મોત નિપજયું હતું. ઉપરોક્ત અકસ્માતની ઘટનાના સંદર્ભમાં સિદ્ધિ લોજિસ્ટિક એજન્સીના મેનેજર અનિલ સિંગ ક્રિષ્ણા બહાદુરસિંગ દ્વારા ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ