સુરતમાં આજે ત્રણ દિવસ બાદ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો રસી લેવા માટે વિવિધ વેક્સિન સેન્ટરો ઉપર ઉમટી પડ્યાં હતાં. મોટાભાગના વેક્સિન સેન્ટરો પર લોકો ધક્કામુક્કી કરતાં જોવા મળ્યાં હતાં. સાથે જ સિનિયર સિટીઝનોને પણ ટોકન મેળવવામાં હાલાકી પડી હતી છતાં પણ ઘણા કિસ્સાઓમાં લોકોને ટોકન ન મળતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતાં. સવારે 7 વાગ્યાંમાં વેક્સિનેશન સેન્ટર ઉપર લોકો ઊભા રહ્યાં હતાં. આજે વેક્સિનના ડોઝ અંદાજે 13 હજાર સુધી લોકોને મળે તેવી શક્યતા છે. સુરત શહેરમાં કુલ 105 રસી કેન્દ્ર ઉપર રસી મૂકવાની કામગીરી કરવામાં આવી હતી.
શરૂઆતના તબક્કે રાજ્ય સરકાર દ્વારા સરેરાશ 35 હજારથી 45 હજાર જેટલી રસીઓ મોકલવામાં આવતી હતી. પરંતુ એકાએક હવે તેમાં નોંધનીય રીતે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનની પ્રક્રિયા બંધ રહ્યા બાદ આજે ફરી એકવાર સવારમાં વેક્સિન લેવા માટે લોકો પહોંચ્યાં હતાં.
એક તરફ સરકાર વેક્સિન લેવા માટે અભિયાન શરૂ કરે છે, તો બીજી તરફ શહેરમાં રસીકરણ કેન્દ્રમાં પણ ઘટાડો થયો છે, અને જે વેક્સિનના ડોઝ મળતા હતા, તેમાં પણ નોંધનીય રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે.તેના કારણે રસીકરણ કેન્દ્રો ઉપર 7:00 થી 8:00 સુધીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે.
ઘણી વખત તો સ્થિતિ બેકાબુ થતી જોવા મળી રહી છે. તેના કારણે રસીકરણ કેન્દ્ર સ્ટાફ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવે છે. ટોકન આપ્યા બાદ પણ રસી આપવામાં આવતી નથી.