સુરત ગ્રામ્ય પોલીસ અને સુરત પોલીસ સમન્વય સમિતિના સંયુકત ઉપક્રમે સિડ્સબોલ પ્રોજેકટ અંતર્ગત વન, આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણભાઈ પાટકરના અધ્યક્ષસ્થાને ઉમરપાડા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
પોલીસ સમન્વય સમિતિ દ્વારા ગાયના છાણ, જીવામૃતની મદદથી કોટેક કરી ૧.૧૧ લાખ સિડ્સબોલ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ૧૭૫ જાતના આર્યુર્વેદિક સિડ્સ તથા અનેક જાતના જંગલમાં થતા વૃક્ષોના બીજનો સમાવેશ થાય છે. જેને ઉમરપાડા તથા ડાંગના જંગલોમાં નાખવાથી ચોમાસા દરમિયાન સીડ્સમાંથી બીજ અકુરિત થઈને વૃક્ષોનું રૂપ ધારણ કરશે.આ અવસરે મંત્રી પાટકરે જણાવ્યું હતું કે, પર્યાવરણના જતન અને સંવર્ધન માટે વૃક્ષારોપણ કરીને ઘરતી હરિયાળી કરીશુ તો જ ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરી શકીશું. કોરોના કાળમાં આપણે ઓકિસજનની કિંમત સમજાય છે.
આ વર્ષે રાજય સરકારે રાજયભરમાં ૧૩ કરોડ વૃક્ષોનુ વાવેતર કરવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે. ત્યારે પોલીસ સમન્વય સમિતિએ સિડ્સબોલ દ્વારા વધુમાં વધુ વૃક્ષો ઉગે તેવો પ્રયાસ કર્યો છે જે અભિનંદનીય છે.આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે ઉમરપાડા પોલીસ સ્ટેશનને પ્રકૃતિ સાથે સમન્વય કરીને પી.એસ.આઈ કે.ડી.ભરવાડે જે પર્યાવરણની જાળવણીની ઉમદા કાર્ય કર્યું છે જેને અભિનંદન પાઠવીને લોકોને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં પોલીસ સમન્વય સમિતિના સંયોજક રજનીશ પરમાર, અગ્રણી રીતેશભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, પોલીસ સમન્વય સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.